મારા ક્ષેત્રમાં કોઈએ જાતિવાદની વાત કરી તો માર પડશેઃ ગડકરી

પુણેઃ કેન્દ્રીય વાહનવ્યવહાર પ્રધાન ની‌તિન ગડકરીએ કહ્યું કે જો તેમના ક્ષેત્રમાં કોઇએ જાતિવાદની વાત કરી તો તેને માર મરાશે. પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું. ગડકરીએ કહ્યું કે મેં કાર્યકર્તાઓને ચેતવણી પણ આપી છે કે કોઇ જાતિ અંગે વાત પણ કરશે તો હું તેને મારીશ. પિમ્પરી ચિંચવાડ વિસ્તારમાં પુનરુત્થાન સમરસતા ગુરુકુલમ્નાં કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે સમાજને આર્થિક અને સામાજિક સમાનતાના આધાર પર સાથે લાવવો જોઇએ, તેમાં જાતિવાદ અને સાંપ્રદાયિકતાની કોઇ જગ્યા ન હોવી જોઇએ.

ગડકરીએ કહ્યું કે અમે જાતિવાદમાં વિશ્વાસ રાખતા નથી. મને ખ્યાલ નથી કે તમારા ત્યાં શું છે?, પરંતુ અમારા પાંચ જિલ્લામાં જાતિવાદને કોઇ જગ્યા નથી, કેમ કે મેં બધાંને ચેતવણી આપી છે કે જો કોઇ જાતિની વાત કરશે તો હું તેને માર મારીશ. ગડકરી તાજેતરમાં પોતાનાં કેટલાંક નિવેદનો માટે ચર્ચામાં રહી ચૂક્યા છે. ગયા મહિને મુંબઇમાં એક કાર્યક્રમમાં તેમણે નેતાઓ પર શાબ્દિક હુમલો કર્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે સોનેરી સપનાં બતાવનારા નેતાઓને લોકો પસંદ કરે છે, પરંતુ જ્યારે સપનાં પૂરાં થતાં નથી ત્યારે જનતા તેમની પીટાઇ પણ કરે છે. આ નિવેદનના બહાને વિપક્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.

ત્યાર બાદ એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું હતું કે ભાજપ કાર્યકર્તાઓએ પોતાની ઘરેલુ જવાબદારીઓ નિભાવવી જોઇએ, કેમકે જે એમ નથી કરી શકતા તે દેશનું ધ્યાન કેવી રીતે રાખી શકે. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેટલાયે કોંગ્રેસી નેતાઓએ ભાજપના નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ પ્રવકતા મનીષ તિવારીએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે ગડકરીના જણાવ્યા મુજબ વાયદા પૂરા નહીં કરતાં જનતા નેતાઓને મારે છે. તે સમયે તેમનો ટાર્ગેટ નરેન્દ્ર મોદી અને નજર વડા પ્રધાનની ખુરશી પર હતી.

You might also like