માતા-પિતાને શોધવાનું વચન આપનાર સાથે જ લગ્ન કરીશઃ ગીતા

પાકિસ્તાનથી પરત ફરેલી મૂક-બધિર ગીતાનાં માતા-પિતાની ભાળ નહિ મળતાં તેનાં લગ્ન કરાવી દેવાની તૈયારી થઈ ગઈ છે ત્યારે ગીતાએ જણાવ્યું છે કે જે યુવક મારાં માતા-પિતાને શોધી આપવાનું વચન આપશે તેની સાથે હું લગ્ન કરીશ.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગીતા સાથે લગ્ન કરવા માગતા ૨૬ યુવકોના બાયોડેટા મળ્યા છે, તેમાંથી ગીતાએ ૧૫ યુવકના બાયોડેટા પસંદ કર્યા છે, જોકે આ માટે ગીતાએ એમ જણાવ્યું છે કે લગ્નમાં સાત ફેરા ફરવાના હોય છે પણ મારી સાથે લગ્ન કરનારાએ આઠમા ફેરા સાથે વચન આપવું પડશે કે તે મારાં માતા-પિતાને શોધી લાવશે.

દરમિયાન ગઈ કાલે વિદેશ મંત્રાલયે દેશભરમાંથી આવેલા યુવકોના બાયોડેટા ગીતાને દર્શાવવામાં આવ્યા હતા, જોકે આ અંગેની માહિતી ખાનગી રાખવામાં આવી હતી. પહેલાં આ અંગે બેઠક કલેક્ટર કચેરીમાં યોજવાનું નક્કી થયું હતું પણ બાદમાં આ અંગેની બેઠક મૂક-બધિર સંગઠનમાં યોજવાનું નક્કી કરાયું હતું, જોકે આ વખતે શરૂઆતમાં ગીતા નવર્સ જણાતી હતી, પરંતુ બાદમાં તે સહજ બની ગઈ હતી.

ગીતાએ હાલમાં જે યુવકોના બાયોડેટા પસંદ કર્યા છે તેમાં સાત સામાન્ય, સાત મૂક-બધિર અને એક દિવ્યાંગ યુવકનો સમાવેશ થાય છે અને હવે આગામી દિવસોમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આ યુવકો સાથે ગીતાની મુલાકાત થાય તે અંગેના આદેશ આપશે.

You might also like