૫૦ લાખ રૂપિયા અાપી દે નહીંતર તારું જીવવું મુશ્કેલ કરી દઈશ

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં જમીન દલાલ પાસેથી ૫૦ લાખ રુપિયાની ખંડણી માગનાર ખંડણીખોરની પોલીસે ધરપકડ કરી છે.  વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ રાધેકિશન રેસિડન્સીમાં રહેતા અને જમીનની લે-વેચનું કામ કરતા ગિરીશભાઇ ઇશ્વરભાઇ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ૫૦ લાખ રૂપિયાની ખંડણી માગનાર એક માથાભારે શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે પાંચેક વર્ષ પહેલા નારોલમાં રહેતા રાજુભાઇ હરીશભાઇ પટેલ તેમના મિત્ર જહરુદ્દીન ઉર્ફે બાબર ગફારભાઇ અંસારીને લઇને ગિરીશભાઇના ઘરે આવ્યા હતા. જહરુદ્દીનને રૂપિયાની જરૂર હોવાથી રાજુભાઇએ ગિરીશભાઇ પાસેથી એક મહિના માટે દસ લાખ રૂપિયા અપાવ્યા હતા.

એક મહિના બાદ જહરુદ્દીને રૂપિયા નહીં આપતાં તેના બદલામાં ગિરીશભાઇને જમીન આપવાની વાત કરી હતી. ગિરીશભાઇએ જહરુદ્દીનની વાત પર ભરોસો કરીને દસ લાખ રૂપિયાના બદલામાં ૫૬ લાખ રૂપિયાની જમીન ખરીદી હતી. ગિરીશભાઇએ આ જમીનનો તેમની માતા જસીબહેન વાડીલાલ પટેલના નામે દસ્તાવેજ કરાવ્યો હતો. ગિરીશભાઇએ બાકીના ૪૬ લાખ રૂપિયા જહરુદ્દીનને આપી દીધા હતા.

બે વર્ષ પછી ગિરીશભાઇ જમીનનો કબજો લેવા માટે ગયા ત્યારે યુનુસ નામની વ્યકિત વચ્ચે આવી હતી અને જમીન તેની છે તેવો દાવો કર્યો હતો. યુનુસને હટાવવા માટે ગિરીશભાઇએ જહરુદ્દીનને અઢી લાખ રૂપિયા આપ્યા હતા. ગિરીશભાઇએ યુનુસભાઇને પણ અલગથી દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. થોડાક દિવસ પહેલાં ગિરીશભાઇને જહરુદ્દીનને બોલાવ્યો હતો અને જમીનના ૫૦ લાખ રૂપિયા માગ્યા હતા.

ગિરીશભાઇએ રૂપિયા આપવાનીના પાડતાં જહરુદ્દીન તેના માણસો દ્વારા અવારનવાર ધાકધમકી આપતો હતો. જહરુદ્દીનની પઠાણી ઉધરાણીથી કંટાળીને અંતે ગિરીશભાઇએ રામોલ પોલીસ સ્ટેશનમાં ખડણીની ફરિયાદ કરી છે. ગિરીશભાઇની ફરિયાદના આધારે પોલીસે ગઇ કાલે જહરુદ્દીનની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

You might also like