કામ કરીને લોકોનાં મોં બંધ કરીશઃ કૃતિ

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન આગામી ફિલ્મ ‘રાબતા’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ તેની કરિયર માટે મહત્ત્વની સાબિત થશે. આ ઉપરાંત આ ફિલ્મનું શૂટિંગ જ્યારથી શરૂ થયું છે ત્યારથી ફિલ્મમાં તેના નાયકની ભૂમિકા ભજવી રહેલા સુશાંતસિંહ રાજપૂત સાથે તેના સંબંધોની ચર્ચાઓ ચાલી રહી છે. સુશાંતસિંહ રાજપૂત અને તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની વચ્ચે બ્રેકઅપનું કારણ પણ કૃતિ હોવાનું મનાય છે. બોલિવૂડમાં જ્યારે આવી ચર્ચાઓ તેજ બની ત્યારે કૃતિએ માત્ર એટલું જ કહ્યું કે આ બધી અફવા છે. તે કહે છે કે આવી બધી બાબતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે અને હવે હું આ બધી બાબતોનો સામનો કરતાં શીખી ગઇ છું. હવે હું તેની સામે લડી શકું છું.
કૃતિની આ ત્રીજી ફિલ્મ છે અને આ જ પ્રકારની કહાણીનો સામનો તેણે ઘણી વાર કર્યો છે. તે કહે છે કે હવે હું અફવાઓનો સામનો કરી શકું છું. બોલિવૂડમાં પગ મૂક્યાના એક લાંબા ગાળા સુધી કલાકારો પોતાના રોમાન્સના સમાચારોને લઇને પરેશાન રહેતા હોય છે તો કૃતિ બે જ ફિલ્મોમાં સારી રીતે તે શીખી ચૂકી છે. તે કહે છે કે હવે હું કશાથી ડરતી નથી. જો હું આવી બધી બાબતો પર ધ્યાન આપીશ તો મારા કામ પર અસર પડશે. હું મારા કામથી ટીકાકારોનાં મોં બંધ કરી દેવા ઇચ્છું છું. ‘રાબતા’ ઉપરાંત કૃતિ પાસે ‘લખનૌ સેન્ટ્રલ’ નામની ફિલ્મ છે, તેમાં તેની સાથે ફરહાન અખ્તર પણ છે. ફરહાન સાથે કામ કરવાની વાતને લઇને તે ખૂબ જ ઉત્સાહિત છે. ફરહાન હાલમાં ‘રોકઓન-૨’માં બિઝી હોવાથી તે ફરહાનને બહુ મળી શકી નથી, પરંતુ કૃતિ કહે છે કે જેટલા મોકા પર તેને મળી છું તે પરથી તે ખૂબ જ સારી વ્યક્તિ લાગે છે.

You might also like