તારે જે કરવું હોય તે કર, હું તારી સાથે લગ્ન કરવા માગું છું

અમદાવાદ: તારે જે કરવું હોય તે કર હું તને છોડવાનો નથી. હું તારી જોડે લગ્ન કરવા માગું છું આવી ફોન પર ધમકી આપનાર યુવક વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમમાં પાગલ યુવકે ટ્યૂશન ક્લાસીસના શિક્ષકને ફોન કરીને વિધાર્થિનીને મળવા બોલાવતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

નરોડા વિસ્તારમાં રહેતી અને એન.વી.કોલેજમાં એસવાયબીકોમમાં અભ્યાસ કરતી રેખા (નામ બદલેલ છે) ગઇ કાલે નરોડાના જે.પી. કોમ્પ્લેક્સમાં આવેલ ટ્યૂશન ક્લાસીસમાં ભણવા માટે ગઇ હતી. દરમિયાનમાં રવિ પટેલ નામના પ્રેમી યુવકે રેખાને મળવા માટે ટ્યૂશન ક્લાસીસના શિક્ષક પંકજભાઇને ફોન કર્યો હતો. આ ઘટનાની જાણ શિક્ષકે રેખાનાં માતા, પિતાને કરતાં તેઓ ટ્યૂશન ક્લાસીસ પહોંચી ગયાં હતાં. રેખાએ તેનાં માતા-પિતા તેમજ શિક્ષકને રવિ પટેલ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરતો હોવાનું જણાવ્યું હતું.

રેખાએ જણાવ્યું હતું કે રવિ પટેલ અવારનવાર ફોન પર ધમકી આપતો કહેતો હતો કે તારે જે કરવું હોય તે કર હું તને છોડવાનો નથી હું તારી જોડે લગ્ન કરવા માગુ છું. જેના પગલે ગઇ કાલે મોડી રાતે નરોડા પોલીસ સ્ટેશનમાં રેખાએ રવિ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. રેખા અને રવિ એક બીજાને સ્કૂલ સમયથી ઓળખે છે. છેલ્લા ઘણા સમયથી રવિ રેખાને પ્રેમ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like