મેં CBIની આબરૂ બચાવવાની કોશિશ કરી, ખોટા આરોપોના આધારે મને હટાવ્યો: આલોક વર્મા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચુકાદાના માત્ર બે દિવસ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી હાઈપાવર સિલેક્શન કમિટી દ્વારા કરવામાં આવેલી હકાલપટ્ટીના મુદ્દે આલોક વર્માએ પોતાનું મૌન તોડ્યું છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વડા તરીકેથી હટાવવામાં આવેલા આલોક વર્માએ જણાવ્યું કે ખોટા, અપ્રમાણિત અને ખૂબ જ હલકા આરોપોને આધાર બનાવીને મારી ટ્રાન્સફર કરવામાં આવી છે. આ તમામ આરોપો એક એવા શખ્સે લગાવ્યા છે, જે મારી સાથે દ્વેષ રાખે છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને કેન્દ્ર સરકારે નાગેશ્વર રાવને ફરીથી વચગાળાના ચીફ નિયુક્ત કરી દીધા છે. મોડી રાતે રાવે ચાર્જ પણ સંભાળી લીધો છે. ગુરુવારે પીએમ મોદીની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની સિલેક્ટ કમિટીએ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને તેમના પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો. આ કમિટીમાં મોદી ઉપરાંત જસ્ટિસ એ.કે. સિકરી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેનો પણ સમાવેશ થાય છે.

૧૯૭૯ બેચના આઈપીએસ અધિકારી આલોક વર્મા પર ભ્રષ્ટાચાર અને કામમાં બેદરકારીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આમ પણ સીબીઆઈના વડા તરીકેનો વર્માનો કાર્યકાળ ૩૧ જાન્યુઆરીએ સમાપ્ત થવાનો હતો. હવે તેમને ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સના ડિરેક્ટર જનરલ (ડીજી)નો હવાલો સોંપવામાં આવ્યો છે. સીબીઆઈના વડાને આ રીતે હટાવવામાં આવ્યા હોય તેવી આ તપાસ એજન્સીના પપ વર્ષના ઈતિહાસની આ પ્રથમ ઘટના છે.

આલોક વર્માએ હવે આ મુદ્દે આક્રમક વલણ અપનાવીને જણાવ્યું છે કે સીબીઆઈ ઉચ્ચ સાર્વજનિક સ્થાનોમાં ભ્રષ્ટાચાર સામે લડતી એક મુખ્ય તપાસ એજન્સી છે. આ એક એવી સંસ્થા છે, જેની સ્વતંત્રતાને સંરક્ષિત અને સુરક્ષિત રાખવી જોઈએ. બહારના કોઈ પણ પ્રભાવ એટલે કે દખલગીરી વગર એજન્સીને કામ કરવા દેવી જોઈએ. મેં સીબીઆઈની આબરૂ બચાવવાની ભરપૂર કોશિશ કરી, પરંતુ તેને નષ્ટ કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટરપદેથી હટાવાયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરો હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે સીબીઆઈ ચીફ આલોક વર્માને બે વખત એજન્સીના ડાયરેક્ટરપદેથી હટાવવાથી સ્પષ્ટ થયું છે કે સરકાર પોતાના જ જૂઠાણામાં ઘેરાઈ ગઈ છે. મોદીજીના દિમાગમાં ડર ફેલાઈ ગયો છે. તેઓ સૂઈ શકતા નથી.

રાકેશ અસ્થાનાની અરજી પર આજે સુનાવણી
આજે દિલ્હી હાઈકોર્ટ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને અન્યની અરજીઓ પર ચુકાદો આપે તેવી શક્યતા છે. આ તમામ લોકોએ લાંચના આરોપોમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવાની માગણી કરી છે.

જસ્ટિસ નજમી વઝીરીએ ર૦ ડિસેમ્બર, ર૦૧૮ના રોજ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીબીઆઈ ડાયેરેક્ટર આલોક વર્માએ જણાવ્યું હતું કે અસ્થાના સામે લાંચના આરોપોમાં એફઆઈઆર દાખલ કરતી વખતે તમામ અનિવાર્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું.

ફરિયાદી હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબુ સનાએ આરોપ લગાવ્યો છે કે તેમણે એક કેસમાં રાહત મેળવવા માટે લાંચ આપી હતી. સનાએ રાકેશ અસ્થાના સામે ભ્રષ્ટાચાર, બળજબરીથી વસૂલી, મનમાની અને ગંભીર ગેરશિસ્તના આરોપો લગાવ્યા હતા. સીબીઆઈના ડીએસપી દેવેન્દ્ર કુમાર સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

You might also like