મહેન્દ્રસિંહ ધોની ટેસ્ટ ક્રિકેટને મિસ કરી રહ્યો છે

નવી દિલ્હીઃ હાલમાં ક્રિકેટથી દૂર રહીને આરામ કરી રહેલો ટીમ ઇન્ડિયાનો વન ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટેસ્ટ ક્રિકેટને મિસ કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયા હાલ વિન્ડીઝના પ્રવાસ પર છે અને ડિસેમ્બર ૨૦૧૪માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા માહીએ કહ્યું કે, ”વિન્ડીઝમાં ભારતીય સ્પિનર શાનદાર દેખાવ કરશે.” આ સાથે ધોનીએ એમ પણ જણાવ્યું કે, ”બેશક, હું ટેસ્ટ ક્રિકેટને મિસ કરી રહ્યો છું.”

ધોનીએ એક કાર્યક્રમમાં ગઈ કાલે જણાવ્યું, ”મને લાગે છે કે વેસ્ટ ઇન્ડીઝમાં વિકેટ ધીમી હશે, પરંતુ તમે કંઈ કહી ના શકો. સ્પિનર મોટી અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એ પ્રભાવશાળી લાગે છે કે ભારત પાસે આજે આઠથી દસ સારા ફાસ્ટ બોલર છે. જેટલી વધુ સ્પર્ધા થશે એટલું સારું રહેશે. જો હું એક વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની વન ડે શ્રેણીની વાત કરું તો એ સમયે કેટલાક બોલર્સ ઈજાગ્રસ્ત હતા.” ધોનીની કંપની રીતિ સ્પોર્ટ્સે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ક્રેગ મેકડર્મોટની કંપની સિક્યોર્ડ વેન્ચર કેપિટલ સાથે કરાર કર્યો છે.

You might also like