હું રણવીર જ રહેવા ઇચ્છું છું

બોલિવૂડ અભિનેતા રણવીરસિંહે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સ્થાપિત કરી લીધી છે. તેણે અદભુત અભિનય ક્ષમતાથી લોકોનાં દિલ જીતી લીધાં છે. એક સમય હતો જ્યારે તેને કોઇ ભાવ આપતું ન હતું. ‘બેન્ડ બાજાં અને બારાત’ ફિલ્મ માટે તે રિજેક્ટ થયો હતો. તે ખૂબ નિરાશ થયો. બાદમાં આદિત્ય ચોપરાએ તેને સમજાવ્યો અને આદિની સમજાવટના કારણે તેનામાં આત્મવિશ્વાસ આવ્યો. તેનું બેકગ્રાઉન્ડ ફિલ્મી ન હતું, તેથી અહીં સ્થાન જમાવવા માટે તેણે ઘણી મહેનત કરવી પડી. તે ઇન્ડસ્ટ્રીના કોઇ પણ સ્ટારને ફોલો કર્યા વગર ખુદની મહેનતથી આગળ આવ્યો.

રણવીર કહે છે કે હું કોઇને ફોલો કરતો નથી અને કોઇના જેવો બનવા માગતો નથી. હું જે છું એ જ રહેવા ઇચ્છું છું. મારે રણવીરસિંહ જ બની રહેવું છે. મારું માનવું છે કે દરેક કલાકાર અલગ અને અનોખો હોય છે. તમારે તમારી જાતને તમે જેવા છો તેવા જ જાળવી રાખવાની જરૂર હોય છે. મારામાં ખાસ વાત એ છે કે હું બધા માટે ભેળપૂરી જેવો છું. હું કોઇના પગલે ચાલવા ઇચ્છતો નથી. હું દેખાડો કરીને મારી જાત પર કોઇ વધારાનો બોજ નાખવા ઇચ્છતો નથી.

રણવીર બોલિવૂડના કોઇ અભિનેતા સાથે તેની હરીફાઇ પણ માનતો નથી. તે કહે છે હું બીજા અભિનેતા અને તેમની ફિલ્મો સાથે મારી તુલના કરું છું, કેમ કે મને તેમાંથી આગળ વધવાની પ્રેરણા મળે છે. જ્યારે હું બીજા હીરોને સારી એક્ટિંગ કરતાં જોઉં છું ત્યારે મને થાય છે કે હું પણ આવું કંઇક શાનદાર કરું, પરંતુ હું ક્યારેય કોઇની સાથે હરીફાઇ કરતો નથી.

You might also like