જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં ‘વિવાદિત’ રીતે ૧૪ રને હરાવી દીધી. રાજસ્થાન રોયલ્સનાે ઓપનિંગ બેટ્સમેન જોસ બટલર IPL ઇતિહાસનો ‘Mankading’નો શિકાર થનારો પ્રથમ બેટ્સમેન બન્યો, જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન આર. અશ્વિને મેચ દરમિયાન વિવાદાસ્પદ રીતે તેને ‘રનઆઉટ’ કરી દીધો.

અશ્વિને કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના તેને રનઆઉટ કરી દીધો, જેના કારણે સ્પોર્ટ્સમેન સ્પિરિટ અંગે સવાલો ઊઠી રહ્યા છે. રમતના નિયમો પ્રમાણે ત્રીજા અમ્પાયરે બટલરને આઉટ જાહેર કર્યો, પરંતુ આને સ્પોર્ટ્સમેન સ્પિરિટની વિરુદ્ધ માનવામાં આવે છે. એ ઘટના બાદ મેદાન પર જ અશ્વિન-બટલર વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. એ વિકેટે જ મેચનું પાસું પલટી નાખ્યું હતું.

મેચ બાદ જ્યારે ‘Mankading’ અને સ્પિરિટને લઈને ઊઠેલા સવાલો અંગે પૂછવામાં આવ્યું ત્યારે જીતીને પણ હારી ચૂકેલા અશ્વિને કહ્યું, ”મારા તરફથી આ બધું સહજ હતું. આ કોઈ યોજના નહોતી. આ રમતના નિયમ પ્રમાણે જ છે. મેં કંઈ જ ખોટું કર્યું નથી.”

શેન વોર્ન અને ઈયોન એ લોકોમાં સામેલ છે, જેમણે અશ્વિનની આકરી ટીકા કરી છે. વોર્ને ટ્વિટ કર્યું, ”કેપ્ટન અને એક વ્યક્તિ તરીકે મને અશ્વિને નિરાશ ન કર્યો…” મોર્ગને ટ્વિટ કર્યું, ”હું વિશ્વાસ નથી કરી શકતો કે હું શું જોઈ રહ્યો છું… એક સમય આવશે, જ્યારે અશ્વિનને પસ્તાવો થશે.”

એવું પહેલી વાર નથી બન્યું, જ્યારે બટલર આવી રીતે આઉટ થયો હોય. ૨૦૧૪ના વન ડે મુકાબલામાં શ્રીલંકાના સચિત્રા સેનાનાયકેએ પણ બટલરને આવી જ રીતે આઉટ કર્યો હતો, પરંતુ સચિત્રાએ પહેલાં બટલરને ચેતવણી આપી હતી.

ગઈ કાલે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન અજિંક્ય રહાણે પણ નારાજ થયો હતો. તેણે કહ્યું, ”અમે આ વિવાદાસ્પદ મુદ્દે ટિપ્પણી કરવાના નથી. મેચ રેફરીએ કોલ લેવો જોઈએ. જે પણ નિર્ણય આવશે, તેને માની લેવાશે. મને લાગે છે કે અમે સારી બેટિંગ કરી રહ્યા હતા. અમે સારી શરૂઆત કરી હતી. છેલ્લે અમારે ચાર ઓવરમાં ૩૯ રનની જરૂર હતી અને અમે વિચાર્યું હતું કે આસાનીથી લક્ષ્ય હાંસલ કરી શકીશું.”

You might also like