પૈસા કે ગ્લેમર માટે આવી નથીઃ તાપસી પન્નુ

તાપસી પન્નુને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યે છ વર્ષથી વધુ સમય થઇ ચૂક્યો છે. આ દરમિયાન તેણે હિંદી ફિલ્મોની સરખામણીમાં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં વધુ કામ કર્યું છે, પરંતુ ‘પિન્ક’, ‘નામ શબાના’, ‘મુલ્ક’, ‘મનમર્જિયા’ જેવી ફિલ્મો દ્વારા તે બોલિવૂડમાં પોતાની એક્ટિંગનો દમ સાબિત કરી ચૂકી છે. હવે તે અમિતાભ બચ્ચન સાથે ‘બદલા’ ફિલ્મને લઇને ચર્ચામાં છે.

તાપસી એક્ટિંગની દુનિયામાં સ્થિરતાને લઇ અસમંજસ અનુભવતી નથી. તે કહે છે કે એક્ટિંગ મારા માટે પૈસા બનાવવાનું માધ્યમ નથી. હું સોફ્ટવેર એન્જિનિયર રહી ચૂકી છું, પૈસા તો ત્યાં પણ કમાઇ શકું છું. આજે પણ મારી પાસે એક વેડિંગ પ્લાનિંગ કંપની છે. એક બેડમિંટન ટીમ છે. તેથી એક્ટિંગ મારા માટે પૈસા કમાવાનું માધ્યમ નથી. હું મારી ફિલ્મો અને તેમાં મારાં પાત્રોને લઇને બેધડક તેમજ બોલ્ડ છું.

છ વર્ષથી બોલિવૂડમાં કામ કર્યું તે દરમિયાન કયાં મોટાં પરિવર્તનો જોયાં છે તે અંગે વાત કરતાં તાપસી કહે છે કે સૌથી મોટું પરિવર્તન એ છે કે આજના દર્શકો પહેલાંની અપેક્ષાએ વધુ સમજદાર થઇ ગયા છે. તેઓ ‘ગોલમાલ’ અને ‘જૂડવા-૨’ જેવી ફિલ્મોને પણ પસંદ કરે છે તેમજ ‘ન્યૂટન’ અને ‘હિંદી મીડિયમ’ જેવી ફિલ્મને પણ માણે છે.

એક અભિનેત્રી તરીકે મારા માટે આ સારો અનુભવ છે કે દર્શકોએ એક મહિલાપ્રધાન ફિલ્મો માટે પણ દરવાજો ખોલ્યો છે. લોકો હવે અનુભવવા લાગ્યા છે કે એક છોકરી પણ ફિલ્મની હીરો હોઇ શકે છે. પોતાની ખૂબી અંગે જણાવતાં તાપસી કહે છે કે હું બેખોફ છું તે જ મારી યુએસપી છે. હું આર્થિક રીતે નબળી નથી અને ગ્લેમર માટે પણ ફિલ્મોમાં આવી નથી. હું દમદાર પાત્રો ભજવવા માટે અહીં આવી છું. મને સારાં પાત્ર નહીં મળે તો હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવા પણ તૈયાર છું, પરંતુ સારાં પાત્ર માટે હંમેશાં કામ કરવા તૈયાર છું.

You might also like