પ્રતિબંધિત કનેરિયાએ પલટી મારીઃ ‘મેં BCCIની કોઈ જ મદદ નથી માગી’

કરાચીઃ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરિયાએ બીસીસીઆઇ પાસેથી પ્રતિબંધ હટાવવામાં તેની મદદ માગવાના સમાચારનું ખંડન કર્યું છે. કનેરિયાએ કહ્યું તેણે ભારતીય બોર્ડ પાસેથી કોઈ પણ જાતની મદદ માગી નથી. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાક. ક્રિકેટમાં એકલા પડી ગયેલા અને શોષણનો શિકાર થવાથી દાનિશ દુઃખી છે, પરંતુ એક પાકિસ્તાની તરીકે ફક્ત આથી જ તેની નિષ્ઠા પર શંકા કરવી જોઈએ નહીં, કારણ કે તે એક હિન્દુ છે. તેને લાગે છે કે બીસીસીઆઇ તેની મદદ કરી શકે છે.

કનેરિયાએ એ સમાચારને નકારી કાઢતાં કહ્યું, ”ભારતીય મીડિયાએ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે. હા, મેં એક ભારતીય રિપોર્ટર સાથે વાત કરી હતી, પરંતુ મારી ભાવના પ્રતિબંધને લઈને બીસીસીઆઇ પાસેથી મદદ માગવાની નહોતી. મને પાકિસ્તાની હોવાનો ગર્વ છે.” પ્રતિબંધ બાદ આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા ૩૫ વર્ષીય સ્પિનરે કહ્યું કે, ”હું પરેશાન છું અને નિરાશ છું.

પાકિસ્તાન ક્રિકેટમાં શોષણનો શિકાર થવાનો એ મતલબ નથી કે હું ભારતીય ક્રિકેટ બોર્ડની મદદ માગું. હું ફક્ત એ જાણવા માગું છું કે કયા પુરાવાઓના આધાર પર મને પ્રતિબંધિત કરવામાં આવ્યો અને પાકિસ્તાન બોર્ડ કયા કારણથી મારા મામલામાં ધ્યાન નથી આપી રહ્યું.”

ઉલ્લેખનીય છે કે કનેરિયાને કાઉન્ટી ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગના મામલામાં વર્ષ ૨૦૧૨માં આજીવન પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. કનેરિયાએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ટ્રિબ્યૂનલ અને કોર્ટમાં પણ બે અપીલ કરી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી.

You might also like