મને પણ ઘણા ખરાબ અનુભવ થયાઃ રિચા

બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાને એક સેન્સિબલ અને બોલ્ડ અભિનેત્રી માનવામાં આવે છે. તે કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ખૂબ જ જલદી કોઇ પણ વ્યક્તિ પર લેબલ લગાવી દે છે. કેટલાક અભિનેતા કે અભિનેત્રી આવાં છે કે તેવાં છે એ કહેવું તેમના માટે સરળ હોય છે, જેથી તેને સમજવાનું કામ સરળ બની જાય, પરંતુ અસલમાં કોઇ પણ વ્યક્તિ ફિલ્મમાં પોતાના પાત્ર જેવી હોતી નથી.

મેં ઘણાં બધાં બોલ્ડ પાત્ર કર્યાં છે, પરંતુ હું ખુદને બોલ્ડ માનતી નથી. હા, હું ઇમાનદાર જરૂર છું. રિચાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચીટિંગનો અહેસાસ પણ થયો છે. તે કહે છે કે કેટલાક લોકોએ કામ આપવાનો ભરોસો આપીને મને લટકાવી રાખી. સ્ટ્રગલના દિવસોમાં મને આવા ખરાબ અનુભવ ખૂબ જ થયા છે, પરંતુ આ જ બધા અહેસાસ આપણને પરિપક્વ બનાવે છે. હવે હું લોકો પર અંધવિશ્વાસની જેમ ભરોસો કરતી નથી.

જ્યારે પહેલી વાર અભિનેત્રી બનવાનો ખ્યાલ આવ્યો ત્યારે શું એ બધું ગ્લેમરનું આકર્ષણ હતું? એ સવાલના જવાબમાં રિચા કહે છે કે બાળપણથી જ મને લાગતું હતું કે હું અભિનેત્રી બનવા માટે જ બની છું. મારા મનમાં આકર્ષણ ગ્લેમરને લઇ નહીં, સિનેમાને લઇ હતું. એ કઇ વાત છે, જે બનાવટી હોવા છતાં પણ આટલી અસરકારક છે?

બાળકોથી લઇ મોટાં બધાં જાણે છે કે જે પરદે બતાવાય છે તે સાચું નથી, છતાં પણ લોકો તેની સાથે જોડાઇ જાય છે. રિચાને બોલિવૂડમાં સંજય લીલા ભણસાળી જેવા ફિલ્મકાર સૌથી વધુ પસંદ છે. તે કહે છે કે હું ટોપ ફિલ્મકારોની યાદીમાં તેમને ટોચ પર રાખું છું. તેમનું કામ અલગ જ દેખાય છે. તેમની શૈલી અને કહાણી અલગ હોય છે. વિશાલ ભારદ્વાજ પણ આવા જ ફિલ્મકાર છે. દરેક કલાકારની ઇચ્છા હોય છે કે તેમની કરિયરમાં કમસે કમ એક વાર આ ફિલ્મકાર સાથે જરૂર કામ કરે.

You might also like