જસ્ટિસ સિકરીની ઈમાનદારીની ગેરંટી હું લઉં છુંઃ જસ્ટિસ માર્કન્ડેય કાત્જુ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યની સિલેકશન કમિટી દ્વારા ર-૧ની બહુમતીથી આલોક વર્માને સીબીઆઇના ડાયરેકટરપદેથી હટાવવાના મામલાને લઇને વિવાદ વધુ ઘેરો બનતો જાય છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના પૂૂર્વ જજ જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ કમિટીમાં જસ્ટિસ સિકરીએ મોદીને આલોક વર્માને હટાવવાને મામલે કેમ સાથ આપ્યો તેના કારણો જણાવ્યા છે.

આ મામલામાં જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યંુ છે કે હું જસ્ટિસ સિકરીને સારી રીતે ઓળખું છું, કારણ કે દિલ્હી હાઇકોર્ટમાં હું તેમનો મુખ્ય ન્યાયમૂર્તિ હતો અને તેમની ઇમાનદારી અને પ્રામાણિકતાની હું ગેરંટી લઇ શકું છું. તેમણે ત્યાં સુધી નિર્ણય લીધો ન હોત જયાં સુધી તેમને આલોક વર્માની વિરુદ્ધ રેકોર્ડમાં કેટલાક મજબૂત પુરાવા ન મળ્યા હોત.

જસ્ટિસ સિકરી સાથે મારો સારો પરિચય છે અને હું વ્યકિતગત રીતે કહી શકું છું કે તેઓ કોઇનાથી પણ પ્રભાવિત થાય તેવા નથી. તેમના અંગે જે કંઇ વાતો ચાલી છે તે સંપૂર્ણપણે ખોટી અને અનુચિત છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કન્ડેય કાત્જુનું માનવું છે કે જસ્ટિસ સિકરી પાસે પીએમ મોદી સાથે સંમત થવાના ઘણા કારણો હતા. જસ્ટિસ સિકરીએ જે કારણો આપ્યા છે તે નીચે મુજબ છે.

– સીવીસીને જણાયું છે કે આલોક વર્મા વિરુદ્ધ ગંભીર આરોપ છે અને પ્રારંભિક તપાસમાં જ સીવીસીને કેટલાક મજબૂત પુરાવા હાથ લાગ્યા હતા.
– સીવીસીએ પ્રથમ દૃષ્ટિએ જે વાત રજૂ કરી છે તે તેમના રિપોર્ટ પરથી એવું લાગે છે કે આલોક વર્માને સાંભળવાની તક આપી હતી.
– પ્રથમ દર્શીય પુરાવા અને નિષ્કર્ષના આધાર પર જ જસ્ટિસ સિકરીનું માનવું હતું કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય અને જ્યાં સુધી આલોક વર્મા દોષિત છે કે નિર્દોષ તે નક્કી ન થાય ત્યાં સુધી તેમણે સીબીઆઇના વડા તરીકે રહેવું જોઇએ નહીં અને આ દરમિયાન તેમની રેન્ક અનુસાર તેમની કોઇ અન્ય પર બદલી કરી દેવી જોઇએ.
– આલોક વર્માની હકાલપટ્ટી કરવામાં આવી નથી કે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા નથી. માત્ર તેમની રેન્ક અને સેલરી મુજબ તેમની સમકક્ષ હોદ્દા પર બદલી કરવામાં આવી છે.

You might also like