ધાર્યા કરતાં વધુ મળ્યુંઃ કરીના

મુંબઇઃ કરીના કપૂર ખાનને અાજે ઈન્ડસ્ટ્રીમાં દોઢ દાયકાથી વધુ સમય થઈ ચૂક્યો છે. અાજે તે નિર્માતા-નિર્દેશકોની પહેલી પસંદ છે. પોતાની અા કરિયરમાં તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેણે ઘણી હિટ ફિલ્મો અાપી અને ઘણી ફિલ્મો સરેરાશ પણ રહી. તે ઘણી ફિલ્મોમાં અાઈટમ નંબર પણ કરી ચૂકી છે. તેની છેલ્લી રિલીઝ ‘કી એન્ડ કા’ ફિલ્મમાં પણ તેનો અભિનય વખણાયો.

હવે તે ‘ઊડતા પંજાબ’ અને ‘બાદશાહો’ને લઈને ઉત્સા‌િહત છે. સૈફ સાથેના લગ્ન બાદ તેની લાઈફમાં ઘણું પરિવર્તન અાવ્યું છે. તે કહે છે કે હું લગ્ન બાદ વધુ શાંત થઈ ગઈ છું. તમારે હંમેશાં ખુદને વિકાસ કરતાં અને બદલતાં રહેવું જોઈએ.

સૈફ અને કરીના નવરાશના સમયમાં શું કરે છે તે અંગે વાત કરતાં તે કહે છે કે એકબીજા સાથે સમય વિતાવવો અમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. એવું નથી કે હું વેકેશન માણવા ઈચ્છું છું અને ટ્રાવેલ કરવા ઈચ્છું છું, પરંતુ જ્યારે અમે ઘરે એકસાથે હોઈએ છીએ તે પણ અમારા માટે ક્વોલિટી ટાઈમ હોય છે. હું અા બાબતે કોઈ પણ સમજૂતી કરવા ઈચ્છતી નથી.

કરિયર અંગે વાત કરતાં કરીના કહે છે કે હું એવાં પાત્રો કરવા ઈચ્છું છું કે લોકોને તે જોતાં અાશ્ચર્ય થાય. જો મને કોઈ રોલ પસંદ નથી પડતો તો હું તે ફિલ્મ કરતી નથી. હું કોમર્શિયલ અને ઓફબિટ ફિલ્મોમાં બેલેન્સ જાળવી રાખવા ઈચ્છું છું. હું એ જ ફિલ્મો કરીશ, જેની સ્ક્રિપ્ટ મને અાકર્ષે. હાલમાં કરીના કોઈ પણ વ્યક્તિને પોતાની કોમ્પિટિટર માનતી નથી. તે કહે છે કે અમારા બધાંનો અલગ અલગ રસ્તો છે. દરેક વ્યક્તિ એ જ કરે છે, જે તેને ગમે છે. મારું માનવું છે કે મને મારા ધાર્યા કરતાં વધુ મળ્યું છે. હું સૌની અાભારી છું.

You might also like