મારે ૨૦ વર્ષની બનવું નથીઃ લીઝા

મોડલિંગ જગત બાદ બોલિવૂડમાં ઓળખ બનાવનાર લીઝા રે વર્ષ ૨૦૦૯માં કેન્સરગ્રસ્ત બની, પરંતુ તેણે હિંમતપૂર્વક આ બીમારીનો સામનો કર્યો. આજે તે કેન્સર સામે જીતીને જીવલેણ રોગનો સામનો કરી રહેલા લોકો માટે એક મિસાલ બની ગઇ છે. બીમારીના કારણે લાંબા સમયથી રૂપેરી પડદેથી દૂર રહેનારી લીઝા રે હાલમાં ‘ઇશ્ક ફોરએવર’ ફિલ્મથી બોલિવૂડમાં પરત ફરી. આ ફિલ્મ ભલે મોટી સફળતા ન મેળવી શકી, પરંતુ હાલમાં તે વધુ એક ફિલ્મ ‘જહક’માં કામ કરી રહી છે. આ હોરર ફિલ્મમાં તેની સાથે હુમા કુરેશી પણ છે.

લીઝાના જણાવ્યા અનુસાર તે પોતાની વધતી ઉંમરમાં તેના આઉટલુકને લઇને ખૂબ જ વ્યવહારિક વલણ અપનાવે છે. તે કહે છે કે હું જેવી છું તેમાં જ હું ખુશ અને સહજ છું. હું હવે ૪૩ વર્ષની છું અને હું ૨૦ વર્ષની હતી તેવી નહીં લાગી શકું. ગ્લેમર વર્લ્ડમાં સંયોગથી પ્રવેશેલી લીઝા સ્વભાવથી અંતર્મુખી છે. તે કહે છે કે મને એકલાં રહેવું ગમે છે. મને લખવું ગમે છે અને હું અન્ય રચનાત્મક કાર્ય પણ કરું છું. હીરોઇન હોવાના કારણે દરેક સમયે મને લોકો તરફથી જે એટેન્શન મળે છે તે મને પસંદ નથી.

લીઝા કેન્સરની પોતાની લડાઇ પર એક પુસ્તક પણ લખી રહી છે. તેણે તેની લડાઇ પર ફિલ્મ બનાવવાની ઓફર પણ મળી છે. કેન્સર અંગે લોકોમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેનારી લીઝા કહે છે કે કેન્સર અંગે વાત કરવામાં મને સહેજ પણ સંકોચ નથી. આ બીમારીએ મને ઘણું બધું શીખવ્યું છે અને હું ખૂબ પોઝિટિવ બની છું.

You might also like