ભારતરત્ન માટે કેટલો હકદાર છું તેની ખબર નથીઃ પ્રણવ મુખરજી

(એજન્સી) કોલકાતા, શુક્રવાર
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું છે કે મને ખબર નથી કે હું ભારતરત્ન સન્માન માટે કેટલો હકદાર છું. આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળા ખાતે ભારતરત્ન પ્રાપ્ત કરવા પુસ્તક મેળા અને સાહિત્ય ઉત્સવના આયોજકો દ્વારા સન્માનીત કરવા પર પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે મને ખબર નથી કે આ સન્માન માટે હું કેટલો હકદાર છું.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખરજીને તાજેતરમાં ભારતરત્નથી સન્માનીત કરવાની જાહેરાત કરાઇ હતી. તેમના ઉપરાંત સમાજ સેવક નાનાજી દેશમુખ અને ગાયક-સંગીતકાર ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત ભારતરત્નથી સન્માનીત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

પુસ્તક મેળામાં ત્રણ દિવસીય સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કરતાં પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે પૂર્વ ઇસ્ટ પાકિસ્તાનમાં બાંગ્લાને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવાની માગણીના આંદોલનને કારણે ૧૯૭૧માં બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે ૪૮ વર્ષ પહેલાં જે લોકોએ બાંગ્લાદેશ મુકિત સંગ્રામમાં ભાગ લીધો હતો તેમનો એક જ નારો હતો કે બાંગ્લાને પૂર્વ પાકિસ્તાનમાં રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો મળે.

પ્રણવ મુખરજીએ વધુમાં જણાવ્યું હતું કે મારી સ્થિતિ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના જેવી થઇ ગઇ છે. અમારાં બંનેનાં દુઃખમાં ઝાઝો ફેર નથી. તેમની પાસે પણ હવે સમય નથી અને મારી સ્થિતિ પણ આવી જ છે. ઉદ્ઘાટન બાદ લોકોને સંબોધતાં પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ હું ૮૪ વર્ષનો થયો છું તેમ છતાં હજુ સ્વસ્થ છું.

You might also like