હું એવું કોઇ કામ નહીં કરું કે કોઇના દિલને દુઃખ પહોંચેઃ અક્ષય કુમાર

અક્ષયકુમારની નવી ફિલ્મ ‘કેસરી’ સુપરહિટ સાબિત થઇ ગઇ છે. આ ફિલ્મ અલગ પ્રકારની ઐતિહાસિક ફિલ્મ હતી, જે ભારતના વીરને સમર્પિત કરાઇ છે. અક્ષયકુમાર છેલ્લા થોડા સમયથી જે પ્રકારની ફિલ્મ કરે છે તે લોકોને જાગૃત બનાવી શકે છે. તે કહે છે કે લોકો પર ફિલ્મનો થોડો પ્રભાવ તો જરૂર પડે છે.

ફિલ્મો સામાજિક પરિવર્તન ન લાવી શકે, પરંતુ એ કામમાં મદદરૂપ તો ૧૦૦ ટકા બની શકે છે. મારી ખુશનસીબી છે કે મને આવી ફિલ્મ ઓફર થઇ, જેમાં કેટલાક જરૂરી મુદ્દા હતા. દર્શકોએ પણ મારી આવી ફિલ્મ પસંદ કરી છે. આગળ પણ મને આવા પ્રકારની સ્ક્રિપ્ટ મળશે તો હું જરૂર તેવી ફિલ્મો કરીશ.

ફિલ્મોની પસંદગીમાં અક્ષય દર્શકોની ભાવનાનું પણ ધ્યાન રાખે છે. તે કહે છે કે હું એવું કોઇ કામ નહીં કરું કે કોઇના દિલને દુઃખ પહોંચે. હું દરેક પ્રકારની ફિલ્મો કરું છું. એક્શન હોય કે કોમેડી કે પછી દેશના વીર માટેની ફિલ્મ હોય. કરિયરની શરૂઆતમાં મારાથી ભૂલ થઇ કે હું માત્ર એક્શન ફિલ્મ સુધી જ સીમિત હતો.

ત્યાર બાદ મને લાગ્યું કે હું એક માત્રામાં સીમિત થઇ ગયો છું. જે દિવસે મેં આમ વિચાર્યું ત્યારથી જ મેં અલગ અલગ ફિલ્મ કરવાની શરૂ કરી. અક્ષયકુમાર ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીના નિર્દેશનમાં બનેલી ‘પૃથ્વીરાજ ચૌહાણ’ ફિલ્મ પણ કરી રહ્યો છે. તે કહે છે આ ફિલ્મનું રિસર્ચ અને પ્રી પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. •

You might also like