હું મારી દરેક ફિલ્મમાં મને કાસ્ટ કરતો નથીઃ જોન

એક કલાકાર નહીં, પરંતુ એક નિર્માતાના રૂપમાં પહેલાં ‘વિકી ડોનર’ અને બાદમાં ‘મદ્રાસ કેફે’ ત્યાર પછી ‘પરમાણુ’ જેવી ફિલ્મ બનાવીને જોન અબ્રાહમે પોતાની એક ખાસ જગ્યા બનાવી દીધી છે. જોન એવો પહેલો સ્ટાર નથી કે જે અભિનેતા હોવાની સાથે-સાથે નિર્માતા પણ બન્યો હોય.

હિંદી ફિલ્મજગતમાં સલમાન ખાન, શાહરુખ ખાન, અજય દેવગણ, અક્ષયકુમાર જેવા તમામ મોટા સ્ટાર પણ પ્રોડક્શનમાં વિવિધ ફિલ્મ બનાવી રહ્યા છે. પોતાના સમકાલીન સ્ટાર સાથે કોમ્પિટિશનને લઇ જોને કહ્યું કે કોમર્શિયલી જોઇએ તો હું આ રેસમાં નથી. હું એ વાતથી ખૂબ જ ખુશ છું. હું યંગ એક્ટર્સને ખૂબ મળું છું અને તેમને પસંદ પણ કરું છું. ટાઇગર અને વરુણ જેવા અભિનેતા મને ખૂબ જ પસંદ છે.

જોન જ્યારે એક નિર્માતાના રૂપમાં કોઇ સ્ક્રિપ્ટને પસંદ કરે છે ત્યારે ખુદને કાસ્ટ કરવાના બદલે વિચારે છે કે આ કહાણીમાં કોણ ફિટ રહેશે? જોન કહે છે કે હું વિચારું છું કે શું આ સ્ક્રિપ્ટ પર વરુણ, ટાઇગર કે આયુષ્માન સૂટ થશે? જેના યોગ્ય તે રોલ લાગે હું તેને ઓફર કરું છું.

આ બાબતમાં હું ખૂબ જ સિક્યોર છું. મને લાગે છે કે આજના સમયના નિર્માતાઓ કરતાં હું અલગ છું. મારા પ્રોડક્શનમાં બનનારી દરેક ફિલ્મમાં હું ખુદને કાસ્ટ કરતો નથી. જોન અબ્રાહમની આગામી ફિલ્મ જાસૂસી-થ્રિલર ‘રોમિયા અકબર વોલ્ટર (રો)’ હશે.

રુબી ગ્રેવાલ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યાં છે અને તેનું શૂટિંગ જમ્મુ-કાશ્મીર, નેપાળ અને મુંબઇમાં થશે. જેકી શ્રોફ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સિકંદર ખેર પણ હશે. તે વિલનના રૂપમાં જોવા મળશે. તેની ભૂમિકા અસલી જિંદગીથી પ્રેરિત હશે. ફિલ્મમાં જોન અને સિકંદરનો સામનો થશે. હજુ એક્ટ્રેસના નામનો ખુલાસો થયો નથી. •

You might also like