કોલાવરી ડી ફેમ ધનુષ એક્ટર બનવા માગતો નહોતો, હોલિવૂડની 3 ફિલ્મો પણ ઠુકરાવી

પોતાની ૧૭ વર્ષ લાંબી કરિયરમાં અભિનેતા ધનુષે તેની ટેલેન્ટ સાબિત કરી દીધી છે. તે એક મલ્ટિ ટેલેન્ટેડ સ્ટાર બનીને બહાર આવ્યો છે. ધનુષે કહ્યું કે તે પોતાની ફિલ્મોથી સકારાત્મકતા, પ્રેમ અને આશા ફેલાવવા ઇચ્છે છે. ધનુષે ભૂતકાળને યાદ કરતાં કહ્યું કે ૧૬ વર્ષની ઉંમરમાં મારા પિતાએ મને અભિનયની દુનિયામાં ધકેલ્યો હતો. હું એક્ટર બનવા લાયક ન હતો. મારા મનમાં કંઇક બીજું કરવાની ઇચ્છા હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આટલો આગળ પહોંચી શકીશ. મને ખરેખર આશ્ચર્ય થાય છે.

ધનુષે ૨૦૦૨માં પિતા કસ્તૂરી રાજાની ફિલ્મ ‘થુલ્લુવાથો ઇલમઇ’થી તામિલ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. ધનુષે જણાવ્યું હતું કે હું એક કાચી ધાતુ જેવો હતો. મારા પિતા અને ભાઇએ મને નિખાર્યો. મને હજુયે સમજમાં આવતું નથી કે તેમણે મારી અંદર એવું શું જોયું કે જે હું જોઇ શક્યો ન હતો. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારા વ્યવસાયથી મને ઓળખ મળી ગઇ. ધનુષ માત્ર એક અભિનેતા નહીં, પરંતુ લેખક, નિર્દેશક અને ગાયકના રૂપમાં પણ વિકસ્યો છે.

લેખકો અને નિર્દેશકોના પરિવારમાંથી આવનાર ધનુષને પહેલાંથી લેખનમાં રસ હતો. ધનુષ કહે છે કે હું છેલ્લા એક દાયકાથી લખી રહ્યો છું. શરૂઆતમાં મારું કામ અપરિપક્વ હતું. મેં આ કળા વિવિધ નિર્દેશકો સાથે કામ કરીને શીખી છે. ૨૦૧૦-૧૧માં મેં લેખનને ગંભીરતાથી લીધું અને સમગ્ર કથા-પટકથા અને સંવાદ લખવા લાગ્યો. ધનુષ હવે હોલિવૂડ ફિલ્મમાં પણ જોવા મળશે. ‘ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી જર્ની’ ફિલ્મ પહેલાં તેણે હોલિવૂડના ત્રણ પ્રોજેક્ટ ઠુકરાવી દીધા હતા, કેમ કે તેને કહાણી ગમતી ન હતી.

You might also like