‘ભારત-પાક.ના સંબંધો સુધારવા મેં શોએબ સાથે લગ્ન નથી કર્યાં’

હૈદરાબાદઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાની રમતની સાથે સાથે પાકિસ્તાની ક્રિકેટક શોએબ મલિક સાથેનાં લગ્નને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. હવે સાનિયાએ આ મુદ્દે ચુપકિદી તોડતાં કહ્યું છે, ”ભારત અને પાકિસ્તાનને એક કરવા માટે મેં શોએબ સાથે લગ્ન નથી કર્યાં.”

સાનિયા ટૂંક સમયમાં પોતાના પ્રથમ બાળકને જન્મ આપવાની છે. સાનિયાએ અંગત જીવન પર ચર્ચા કરતાં કહ્યું, ”મેં એવું વિચારીને લગ્ન નથી કર્યાં કે ભારત અને પાકિસ્તાનને એક કરી દઉં. લોકોને ભલે એવું લાગતું હોય, પરંતુ અમે એવું નહોતું વિચાર્યું. અમે એકબીજાને પસંદ કરતા હતા અને જીવનભર સાથે રહેવાનો નિર્ણય કર્યો.

હું વર્ષમાં એક વાર મારા સાસરે- પાકિસ્તાન જરૂર જાઉં છું. પાકિસ્તાનમાં મોટા ભાગના લોકો મને ભાભી કહે છે.” પોતાના બાળક અંગે વાત કરતાં સાનિયાએ કહ્યું, ”અમે બંને બાળકની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં છીએ. ઘણા લોકો અંદાજ લગાવે છે કે તે ક્રિકેટર બનશે કે ટેનિસ ખેલાડી, પરંતુ તે કંઈ પણ બને, મને તેની સામે કોઈ વાંધો નથી.

હું વ્યક્તિગત રીતે ઇચ્છું છું કે તે ડોક્ટર બને, પરંતુ તેના જીવનનો નિર્ણય અમે તેને જ કરવા દઈશું.” સાનિયાએ જણાવ્યું, ”હું અને શોએબ સ્ટાર ખેલાડી હોવાને કારણે અમને હંમેશાં સવાલ પૂછવામાં આવે છે કે બાળકની નાગરિકતા ક્યાંની હશે… હું મારા દેશ ભારત માટે ટેનિસ રમું છું અને શોએબ પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમે છે. અમારા પરિવારમાં રાષ્ટ્રીયતા અંગે ક્યારેય કોઈ જ ચર્ચા થતી નથી.

You might also like