ક્રિસ ગેઈલને ખરીદી મેં IPLને બચાવી લીધીઃ વીરેન્દ્ર સેહવાગ

મોહાલીઃ ગઈ કાલે તોફાની સદી ફટકાર્યા બાદ ચારે તરફ ક્રિસ ગેઇલની પ્રશંસા થઈ રહી છે. સનરાઇઝર્સ સામે સદી ફટકાર્યા પહેલાં ગેઈલે પ્રથમ મેચમાં ચેન્નઈ સામે તોફાની અર્ધસદી ફટકારી હતી. આ વખતે આઇપીએલની હરાજીમાં અંતિમ ક્ષણે પંજાબની ટીમે ક્રિસ ગેઇલને તેની બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ગેલના પ્રદર્શન બાદ પંજાબની ટીમના મેન્ટર વીરેન્દ્ર સેહવાગે મજેદાર ટ્વિટ કર્યું, ”ક્રિસ ગેઇલને ખરીદીને મેં આઇપીએલને બચાવી લીધી…” આ ટ્વિટને કિંગ્સ ઈલેવન પંજાબના ટ્વિટર એકાઉન્ટમાંથી રી-ટ્વિટ કરવામાં આવ્યું.

પંજાબની ટીમ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું, ”જેમ હીરાની પરખ ઝવેરી જ કરી શકે એવી જ રીતે ક્રિસ ગેઇલની પરખ ફક્ત વીરુ પાજી જ કરી શકે છે.” ગેઇલે પણ વારુના ટ્વિટના જવાબમાં પોતાની સંમતિ વ્યક્ત કરી હતી.

મેચ પૂરી થયા બાદ ક્રિસ ગેઇલે જણાવ્યું હતું, ”હું હંમેશાં મારી રમત પ્રત્યે ઉત્સાહિત રહું છું. હું જે પણ ફ્રેંચાઇઝી તરફથી રમું, મારી કોશિશ મારું ૧૦૦ ટકા આપવાની હોય છે. આ નવી ફ્રેંચાઇઝી છે. ઘણા લોકોએ કહ્યું કે ગેઇલને ઘણું સાબિત કરવાનું છે. મને લાગે છે કે વીરેન્દ્ર સેહવાગે મને પસંદ કરીને આઇપીએલને બચાવી લીધી.

આ બહુ જ સારી શરૂઆત છે.” ઉલ્લેખનીય છે કે હરાજી બાદ વીરુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ”ક્રિસ ગેઇલ અમને બે મેચ જીતાડી આપે તો પણ અમારા પૈસા વસૂલ થઈ જશે.”

ગત વર્ષ સુધી ક્રિસ ગેઇલ આરસીબી તરફથી રમી રહ્યો હતો, પરંતુ આ વર્ષે આરસીબીએ તેને રિટેન નહોતો કર્યો. આઇપીએલની હરાજીના પ્રથમ બે રાઉન્ડમાં આ તોફાની બેટ્સમેનને કોઈ ખરીદાર મળ્યો નહોતો, પરંતુ હરાજીની અંતિમ ક્ષણોમાં વીરેન્દ્ર સેહવાગ અને પ્રીતિ ઝિન્ટાએ ક્રિસ ગેઇલને રૂ. બે કરોડમાં ખરીદ્યો. હરાજી પૂરી થયા બાદ ગેલને ખરીદવાનું કારણ જણાવતા વીરુએ કહ્યું હતું, ”તે એકલા હાથે મેચનું પાસું પલટી નાખવા સક્ષમ છે.”

વીરુનાં બધાં અનુમાન સાચાં સાબિત થયાં
વીરુના ગેલ અંગેનાં બધાં અનુમાન બિલકુલ સાચાં સાબિત થયાં. પહેલી બે મેચમાં ગેઇલને ના રમાડ્યા બાદ જ્યારે તેને ત્રીજી મેચ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો ત્યારે ગેઈલે સાબિત કરી આપ્યું કે તે આજે પણ આઇપીએલનો કેટલો મોટો ખેલાડી છે.

ગેઇલે પોતાની પ્રથમ મેચમાં જ ચેન્નઈ સામે ૩૩ બોલમાં ૬૩ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને પંજાબની જીત નિશ્ચિત કરી દીધી હતી. ત્યાર બાદ બીજી મેચમાં અત્યાર સુધી અજેય રહેલી હૈદરાબાદની ટીમ સામે શાનદાર સદી ફટકારીને પંજાબને બીજી જીત અપાવી દીધી. બંને મેચમાં ક્રિસ ગેઈલને પ્લેયર ઓફ ધ મેચના ખિતાબથી નવાજવામાં આવ્યો હતો.

You might also like