હું પ્લાનિંગ કરતો નથીઃ વીર દાસ

મુંબઇઃ એક જ પ્રકારનું કામ કરીને અકળાઇ જતો વીર દાસ આજકાલ ખૂબ જ ખુશ છે, કેમ કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેને ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળશે. તે કહે છે કે આજે હું અહીં છું તે બધું જ બોલિવૂડને આભારી છે. તાજેતરમાં તેની ‘સંટા બંટા પ્રાઇવેટ લિમિટેડ’ નામની ફિલ્મ રિલીઝ થઇ. આ ફિલ્મ કોમેડી ટાઇપની હતી. આ ફિલ્મમાં તેણે બોમન ઇરાની જેવા સિનિયર એક્ટર સાથે કામ કર્યું.
તે કયા કોમેડી સ્ટારને સૌથી વધુ પસંદ કરે છે તેના જવાબમાં તે કહે છે કે જ્હોની લિવર ખૂબ જ મસ્ત કોમેડિયન છે. જે પ્રકારની પ્રતિભા તેમની પાસે છે તેનો એક હિસ્સો પણ અમારી પાસે નથી. ‘સંટા બંટા પ્રાઇવેટ લિમિટેડ’માં જ્હોની લિવરે પણ કામ કર્યું છે. વીર દાસે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ આજે પણ તે ન્યૂકમર જેવો જ લાગે છે, જોકે આ વાતને તે પોઝિટિવ લે છે. તે કહે છે કે જો હું હજુ પણ ન્યૂકમર અને ફ્રેશ લાગુ તો એ મારા માટે સારી વાત છે. દર્શકોને હું હંમેશાં ફ્રેશ લાગવા ઇચ્છું છું.
વીર અજય દેવગણ સાથે ‘શિવાય’ ફિલ્મમાં પણ જોવા મળશે. તે કહે છે કે ‘શિવાય’ મારી કરિયરની સૌથી મોટી ફિલ્મ છે. હું તે ફિલ્મમાં એક પાકિસ્તાનીનો રોલ ભજવી રહ્યો છું, જે એક હોપલેસ રોમેન્ટિક છે. અજય સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. હું આ ફિલ્મમાં ઉર્દૂ પણ બોલું છું. વીર દાસે થોડા સમયમાં ઘણી અલગ અલગ પ્રકારની ફિલ્મ કરી છે. તે કહે છે કે હું ક્યારેય પ્લાનિંગ કરતો નથી. મને જેવી ફિલ્મો મળતી રહેશે તેવી હું કરતો રહીશ. •

You might also like