હું મારા માતા શ્રીદેવીની જેમ જ છું સંવેદનશીલ: જાહ્નવી કપૂર

ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકેલી જાહ્નવી કપૂર પર બોલિવૂડના મોટા ફિલ્મી પરિવારની હોવાના કારણે લોકોની અપેક્ષા પર ખરા ઊતરવાનું દબાણ છે. સ્ટાર‌િકડ હોવાના દબાણ પર જાહ્નવી કહે છે કે શૂટિંગ દરમિયાન એ વાત અનુભવાતી નથી, પરંતુ હવે જ્યારે હું લોકોને મળી રહી છું ત્યારે એક પ્રકારનું દબાણ અનુભવું છું.

મમ્મી અને અમારા સમગ્ર પરિવારને કામ માટે ખૂબ જ પ્રેમ અને સન્માન મળ્યું છે. હું એ બધાંનો આભાર માનું છું. હું તે પ્રેમ મારા કામ દ્વારા મેળવવા ઇચ્છું છું. જાહ્નવી માને છે કે તે પોતાની માતા શ્રીદેવીની જેમ સંવેદનશીલ છે અને તેની જેમ જ મીઠાઇની શોખીન છે. આ વર્ષે શ્રીદેવીના કસમયે થયેલા નિધન બાદ તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો, પરંતુ તેમાંથી બહાર નીકળવામાં તેના સાવકા ભાઇ અર્જુન કપૂર અને બહેન અંશુલા કપૂરે ખૂબ જ સાથ આપ્યો.

ફિલ્મોમાં આવતાં પહેલાં સોશિયલ મીડિયા સ્ટાર બનેલી જાહ્નવી સોશિયલ મીડિયાને નકલી દુનિયા માને છે. તે કહે છે કે સોશિયલ મીડિયામાં લોકો એવું જ બતાવે છે, જે તેઓ બતાવવા ઇચ્છે છે. તે કહે છે કે મને સારું નથી લાગતું જ્યારે લોકો સોશિયલ મીડિયા પર નકારાત્મક વાત કરે છે.

હું સમજું છું કે દરેકને પોતાનો મત રાખવાનો હક છે, પરંતુ મને આ મોકો સરળતાથી મળી ગયો. એવા લોકો અસંતુષ્ટ હશે, જેમને લાગતું હશે કે મેં તેમની પાસેથી મોકો છીનવી લીધો. હું જાણું છું કે બીજા માટે મારો સંઘર્ષ કોઇ સંઘર્ષ જ નથી, પરંતુ હું મારી જાતને સાબિત કરવા ઇચ્છું છું.

મારા કામ દ્વારા દરેક વ્યક્તિનાં દિલ જીતવા ઇચ્છું છું. મને મધુબાલા, વહિદા રહેમાન, મીનાકુમારી અને નૂતન જેવી અભિનેત્રીઓ ખૂબ જ પસંદ છે. તે લોકો ખૂબ જ મહાન હતાં. તેમણે જે જાદુ મોટા પરદા પર વિખેર્યો હતો તે કોઇ અન્ય દુનિયાથી આવ્યો હતો. •

You might also like