હું ભાગેડુ નથી બિઝનેસમેન છું લંડનમાં બેઠેલા માલ્યાનું ટ્વિટ

નવી દિલ્હી: બેન્કોના રૂ.૯,૦૦૦ કરોડના દેવાદાર વિજય માલ્યાએ આજે સવારે પોતાની સ્પષ્ટતા આપતાં ટ્વિટ કર્યું છે કે હું ઇન્ટરનેશનલ બિઝનેસમેન છું, ભાગેડુ નથી. મારી મીડિયા ટ્રાયલ ન કરો. આ બધાની વચ્ચે અન્ય એક વાત પણ સામે આવી છે કે માલ્યા જ્યારે બે માર્ચે દિલ્હી એરપોર્ટથી લંડન જવા માટે નીકળ્યા ત્યારે તેમની સાથે એક મહિલા પણ હતી. તે બંને એક કલાક સુધી એરપોર્ટ પર હતા, પરંતુ તેમને કોઇએ રોકયા નહીં.

માલ્યાએ આજે સવારે પાંચ ટ્વિટ કર્યા. જેમાં કહ્યું કે હું ઇન્ટરનેશનલ બિઝનેસમેન છું અને ભારતની બહાર સતત ટ્રાવેલ કરતો રહું છું. હું ભારતથી ભાગ્યો નથી. હું ભાગેડુ નથી. આ બધી નકામી વાતો છે. અન્ય એક ટ્વિટમાં માલ્યાએ લખ્યું છે કે એક ભારતીય સાંસદ હોવાના કારણે હું કાયદાનું સન્માન કરું છું. આપણી જ્યુડિશિયલ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. મને તેના પર વિશ્વાસ છે. મી‌ડિયા મારી ટ્રાયલ ન કરે. અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે મીડિયા એ ન ભૂલે કે મેં ઘણાં વર્ષો સુધી તેમની મદદ કરી છે. હવે તેઓ ટીઆરપી વધારવા માટે ખોટું બોલી રહ્યા છે.

વિજય માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે ‘હું એક સાંસદ છું અને મને કાયદા પર વિશ્વાસ છે. આપણી કાયદા વ્યવસ્થા મજબૂત છે અને હું તેનું સન્માન કરું છું.’

માલ્યાએ વધુમાં જણાવ્યું હતું કે ન્યૂઝ રિપોર્ટમાં એવું કહેવાયું છે કે મારે મારી મિલકતો જાહેર કરવી જોઇએ. તેનો મતલબ એ છે કે બેન્કોને મારી મિલકત અંગે ખબર નથી. શું કોઇએ મારું સંસદમાં અપાયેલું સોગંદનામું જોયું નથી? એક વખત મીડિયા તમારી પાછળ પડે તો તમામ સત્યો હવામાં ઊડી જાય છે.

માલ્યા વિરુદ્ધ ખૂબ જ નબળી હતી સીબીઆઇની નોટિસ
વિજય માલ્યા કિંગ ફિશર એરલાઇન્સ ચલાવતા હતા. આ કંપનીનું દેવું દર વર્ષે વધતું જતું હતું અને આ માટે તેઓ બેન્કો પાસેથી લોન લેતા હતા. ધીમે ધીમે તેમનું દેવું રૂ.૯,૦૦૦ કરોડને પાર થઇ ગયું. તેમના ટ્રેડમાર્ક સીઝ કરી દેવાયા, પરંતુ પૂરી રિકવરી થઇ ન શકી. આ મહિને બેન્કોએ પહેલાં રિકવરી ટ્રિબ્યૂનલ અને પછી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને સરકારના વકીલોએ જ જણાવ્યું કે માલ્યા તા.ર માર્ચે દેશ છોડી ચૂકયા છે. માલ્યા વિરુદ્ધ સીબીઆઇ તપાસ કરી રહી છે. હવે લંડનમાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા તેમની વિરુદ્ધ કાર્યવાહીની કોશિશ થશે.

હવે એ ખુલાસો થયો છે કે સીબીઆઇએ માલ્યા વિરુદ્ધ ઓકટોબર ર૦૧પમાં લુક આઉટ નોટિસ જારી કરી હતી, પરંતુ તે એટલી નબળી હતી કે તેમાં માલ્યાની ધરપકડ કરવાની કોઇ એડ્વાઇઝરી જ ન હતી.

કેવી રીતે દેશની બહાર ગયા માલ્યા?
માલ્યા જેટ એરવેઝની ફલાઇટ દ્વારા લંડન ગયા. તેમણે તા.ર માર્ચે સવારે ૧૧-૪પ વાગ્યે એરલાઇન્સને ફોન કરીને કહ્યું કે તેઓ ટ્રાવેલ કરવાના છે અને બપોરે ૧-૧પ વાગ્યાની ફલાઇટથી લંડન રવાના થયા. તેમણે બોઇંગ ૭૭૭-૩૦૦ના ફર્સ્ટ કલાસમાં પ્રવાસ કર્યો. તેમની સાથે ૭થી ૧૧ બેગ હતી અને એક મહિલા પણ હતી. ફલાઇટમાં બેસતાં પહેલાં તેઓ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટી-૩ ટર્મિનલના પ્રીમિયમ પ્લાઝા લાઉન્જમાં ૬૦ મિનિટ રોકાયા. ત્યાં તેમણે મહિલા સાથી સાથે કોફી અને સ્નેકસ લીધા. માલ્યા લાઉન્જમાં ખૂબ જ તણાવમાં દેખાતા હતા. તેમણે ઝપકી લેવાની કોશિશ કરી, પરંતુ લોકો તેમને મળવા આવતા રહ્યા જેથી તેઓ આરામ ન કરી શકયા.

SBI સહિત 17 બેંકો પાસેથી લીધી હતી લોન

તમને જણાવી દઇએ કે વિજય માલ્ય પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સહિત 17 બેંકોના 9,000 કરોડ રૂપિયાનું દેવું છે. કિંગફિશર એરલાઇન્સ નુકસાનમાં જતાં લોનની રકમ ચુકવવામાં નિષ્ફળ રહ્યા છે. આ મામલો લાઇમલાઇટમાં આવ્યા બાદ બેંકોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. જો કે બાદમાં જાણવા મળ્યું કે વિજય માલ્યા 2 માર્ચના રોજ દેશ છોડીને જતા રહ્યા છે.

લંડનમાં માલ્યાને નોટિસ બજાવવા સુપ્રીમનો આદેશ
૧૭ બેન્કોના રૂ. ૯,૦૦૦ કરોડનું કરજ બાકી રાખીને ચૂપચાપ વિદેશ રવાના થઈ ચૂકેલ ઉદ્યોગપતિ વિજય માલ્યાનો હવે લંડન સુધી પીછો કરવામાં આવશે. સીબીઆઈએ એવી આશંકા વ્યક્ત કરી છે કે માલ્યા હાલ લંડનમાં છે અને તેથી સુપ્રીમ કોર્ટે માલ્યાને સંસદવાળા ઈ મેલ આઈડી અને લંડન સ્થિત ભારતીય હાઈકમિશન દ્વારા નોટિસ બજાવવા આદેશ કર્યો છે.

બેન્કો વિજય માલ્યાની સંપત્તિ વેચવા માગે છે
વિજય માલ્યાને ભગાડવામાં આવ્યા હોવાનો શક એટલા માટે ઘેરો બનતો જાય છે કારણ કે સીબીઆઈએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે વિજય માલ્યાની કંપની ડૂબી રહી હતી ત્યારે પણ એક બેન્કે તેને રૂ. ૮૦૦ કરોડની લોન કઈ રીતે આપી હતી ? હવે બેન્કો પોતાની લોન વસૂલ કરવા માટે વિજય માલ્યાએ જે સંપત્તિઓ ગિરવે મૂકી છે તેને વેચવા માગે છે.

You might also like