મને વિશ્વાસ હોય તે નિર્માતા-નિર્દેશકની ફિલ્મ કરું છુંઃ તબ્બુ

બે વખત સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી તબ્બુને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી પણ સન્માનિત કરાઇ છે. તેણે હિંદી ઉપરાંત તામિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજી ભાષાની ફિલ્મો પણ કરી છે. ડિરેક્ટર પસંદ કરવાની બાબતમાં તે હંમેશાં ખૂબ જ જિદ્દી રહી છે.

તે કહે છે કે કોઇ પણ ફિલ્મ સાઇન કરવા માટે મારી એક ખાસ રણનીતિ હોય છે. કહાણીમાં પાત્ર અને તેનો વિકાસ સારો હોવો જોઇએ. કોઇ વ્યક્તિ સ્ટોરીને કેવી રીતે લખે છે, મારું પાત્ર કેટલું મહત્ત્વનું છે, આ બધું ખૂબ જ મહત્ત્વનું છે. સાથે-સાથે મારા માટે સૌથી મોટી વાત એ છે કે ફિલ્મ બનાવનાર લોકો મને સારા લાગવા જોઇએ. નિર્માતા અને નિર્દેશકમાં મને વિશ્વાસ હોવો જોઇએ. જો કોઇ સ્થાપિત નામ ફિલ્મ બનાવતું હશે તો હું આંખો બંધ કરીને વિશ્વાસ કરી લઇશ.

અત્યાર સુધીની પોતાની કરિયરને તે કેવી રીતે જુએ છે તે અંગે વાત કરતાં તબ્બુ કહે છે કે ઘણી બાબતો છે કે જે મારા ચહેરા પર ખુશી લાવે છે. મારી સૌથી મોટી યાદો છે દોસ્તોની સાથે વીતાવેલો સમય. મારા પ્રોફેશને મને સૌથી સારી જે વસ્તુ આપી છે તે છે ટ્રાવેલ. બીજી સૌથી મોટી વસ્તુ છે લોકોનો વિશ્વાસ અને પ્રેમ. મારો અત્યાર સુધીનો અનુભવ ખરેખર ખૂબ જ શાનદાર રહ્યો. જિંદગીના વિવિધ સમયમાં આગળ લઇ જતી વસ્તુઓ મારા માટે અલગ અલગ હોય છે. મારી ઇચ્છા અને જરૂરિયાતો સમયની સાથે-સાથે બદલાતી રહે છે. •

You might also like