હું વડા પ્રધાન મોદીનો નહીં, પરંતુ ભગવાનનો ભક્ત છુંઃ ઋષિ કપૂર

નવી દિલ્હી ઃ બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરે જણાવ્યું કે તેમણે રાષ્ટ્રીય સંપત્તિઅોને નહેરુ-ગાંધી પરિવારના સભ્યોના નામ પર રાખવાનો મુદ્દો એટલે ઉઠાવ્યો ન હતો કે તેમને મોદી સરકાર દ્વારા પદ્મ અેવોર્ડ કે રાજ્યસભામાં સભ્યપદની અાશા હતી. એક ટીવી શોમાં ઋિષ કપૂરે કહ્યું કે મારી રાજનેતા બનવાની કોઈ મહત્ત્વાકાંક્ષા નથી. મેં જે પણ કહ્યું અે અેટલે કહ્યું નથી કે હું સત્તામાં છે તે પક્ષને ખુશ કરવા ઇચ્છું છું. મેં અા વાત કોઈને ઇમ્પ્રેસ કરવા કે કોઈ પદ્મ એવોર્ડ માટે કરી નથી.

હું અહીં રાજકારણી બનવા અાવ્યો નથી. ઋષિઅે એમ પણ કહ્યું કે એક નાગરિક હોવાના નાતે હું ઇન્કમટેક્સ ચૂકવનાર નાગરિક છું અને તેથી જ મેં અા સવાલનો મુદ્દો ઉઠાવ્યો છે. હું નહેરુ-ગાંધી પરિવારનું સન્માન કરું છું. પંડિત, નહેરુ, ઇ‌િન્દરા ગાંધી, રાજીવ ગાંધી અા બધા અાપણા સારા નેતાઅો હતા. હું તેમને અાજે પણ સન્માનની દૃષ્ટિઅે જોઉં છું.

કપૂર પરિવાર પણ કોંગ્રેસવાદી રહી ચૂક્યો છે, પરંતુ મેં જે મુદ્દો ઉઠાવ્યો છે, તે અે છે કે ગાંધી પરિવારને ખુશ કરવા માટે દરેક વસ્તુ તેમના જ નામ પર શા માટે રાખવામાં અાવે છે.ઋષિ કપૂરે કહ્યું કે મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક ૨૦૦૯માં તૈયાર થઈ. રાજીવ ગાંધીનું મૃત્યુ ૧૯૯૧માં થયું હતું. અા પ્રોજેક્ટને જેઅારટી ટાટાનું નામ કેમ ન અપાયું, શું તેમણે અાપણા દેશ માટે યોગદાન નથી અાપ્યું. અાપણા ઘણા નેતાઅો છે.

સરદાર પટેલ, અાંબેડકર, લોકમાન્ય તિલક, ભગતસિંહ અા લોકોઅે તેમના જીવ પર અાવીને અાપણા દેશને બચાવ્યો છે. માત્ર દિલ્હીમાં ૬૪ એવી રાષ્ટ્રીય સંપત્તિ છે, જે એક જ પરિવારના નામ પર છે. શું અે વાત એટલી જરૂરી છે કે દરેક સ્ટેડિયમ, દરેક એરપોર્ટ અને દરેક જગ્યા તેમના જ નામ પર હોય. શું ઋષિ મોદીજીનાં વખાણ કરવા લાગ્યો છે? અા સવાલના જવાબમાં તેણે કહ્યું કે મને લાગે છે કે મોદીજી જે કહે છે, તે સાચું કહે છે. તેમને માત્ર એટલી જ વિનંતી છે કે તેઅો જે કહે છે તે કરે.

ખૂબ જ જલદી તે બધી વસ્તુ અમલમાં અાવે. પોતાના વાયદાઅોને પૂરા કરે. હું ધૈર્યની સાથે રાહ જોઈ રહ્યો છું અને મને અાશા છે કે તેઅો અા બધું કરીને બતાવશે. ટ્વિટર પર ઋષિના વિરોધીઅો તેને મોદી ભક્ત કહેવા લાગ્યા છે. ઋષિઅે કહ્યું કે હું ભક્ત જરૂર છું, પરંતુ મોદીનો નહીં, ભગવાનનો ભક્ત છું.

You might also like