સ્વચ્છતા અભિયાનની ઉજવણીના ઉત્સાહમાં પરીક્ષા ભુલાઈ ગઈ

અમદાવાદ: અમદાવાદ શહેરની ૬૦૦થી વધુ શાળાઓ સહિત રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રર સપ્ટે.થી પ્રથમ સત્ર-મીડ ટર્મ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. બરાબર પરીક્ષા સમયે જ શિક્ષણ વિભાગે સ્વચ્છતા-સામાજિક સમરસતા પખવાડિયું ઊજવવાના કરેલા સરકારી આદેશના પગલે અમદાવાદના દોઢથી બે લાખ અને રાજ્યભરના ધો.૯ થી ૧ર માધ્યમિકના વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત શિક્ષકો મૂંઝવણમાં મુકાયા છે.

શિક્ષણ વિભાગ એ ભૂલી ગયો કે આ સમય દરમ્યાન જ ધો.૯ થી ૧ર માધ્યમિકના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ ચૂકી હશે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપે કે ઉજવણી કરે એ મુદ્દે વિદ્યાર્થીઓ-વાલીઓ અને શિક્ષકોમાં કચવાટ ફેલાયો છે. રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટ-ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં રપ સપ્ટે.થી સામાજિક-સમરસતા અને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવાના આદેશો કરાયા છે, જેમાં ર૪ સપ્ટે.થી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. નિબંધ, વકતૃત્વ સ્પર્ધા, રમત-ગમત, જાહેર સ્થળોની સફાઇ, મહારેલી અને સ્વચ્છતા શપથ કાર્યક્રમ ઉપરાંત ચિત્રકલા, બાળકવિ સંમેલન, ગાયન-વાદન સ્પર્ધાઓમાં બાળકોએ ભાગ લેવો પડશે.
આગામી તા.રર થી ૧ ઓકટોબર દરમ્યાન રાજ્યભરના ધો.૯ થી ૧રના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી મીડ-ટર્મ એક્ઝામ પહેલાંથી નિયત કરાઇ છે.

આ અંગે આચાર્ય સંઘના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન સંઘના પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું કે સરકારના આ પરિપત્રના કારણે બાળકોનું ધ્યાન પરીક્ષામાંથી હટશે. તેઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે અમે શિક્ષણપ્રધાનને રજૂઆત કરી છે કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આ ઉજવણી પખવાડિયું પરીક્ષા પછીની તારીખોમાં શિફ્ટ કરવામાં આવે.

You might also like