સુષમા સ્વરાજની પહેલ પર સાઉદીમાં વેચાયેલી મહિલાને બચાવાઈ

નવી દિલ્હી: સાઉદી અરબમાં એજન્ટની છેતરપિંડીની શિકાર હૈદરાબાદની નિવાસી સલમાબેગમને ભારતીય ઓથોરિટીએ બચાવી લીધી છે. તે ખૂબ જ જલદી ભારત અાવશે. સલમાબેગમ એજન્ટની છેતરપિંડીનો શિકાર બની હતી. તેણે ગેરકાયદે રીતે સાઉદી અરબમાં ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાઈ હતી. ત્યાર બાદ તે માનસિક અને શારીરિક મુસીબતોનો સામનો કરી રહી હતી. સલમાબેગમને બચાઈ હોવાની જાણકારી વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને અાપી છે.

સુષમા સ્વરાજે ટ્વિટમાં લખ્યું છે કે ભારતીય નાગરિક સલમાબેગમને બચાવી લેવાઈ છે. તે અાજે સવારે ૪.૧૫ વાગ્યાની ફ્લાઈટથી મુંબઈ પહોંચશે. વિદેશપ્રધાને સલમાની ઝડપથી મદદ કરવા માટે સાઉદીની રાજધાની રિયાધમાં સ્થિત ભારતીય દૂતાવાસનાં વખાણ કર્યાં છે. તેમને સાઉદી સ્થિત ભારતીય દૂતાવાસ સમક્ષ ૧૪ એપ્રિલે સલમાની વાત રાખી હતી. તેમણે ટ્વિટમા લખ્યું છે કે માત્ર ૭૨ કલાકમાં અા સમસ્યાનો હલ શોધવા માટે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસનાં વખાણ કરું છું.

સલમાએ પોતાની પુત્રીને મોકલેલા એક ઓડિયો મેસેજમાં કહ્યું હતું કે જે એજન્ટે તેના વિઝાનો પ્રબંધ કર્યો હતો એ એજન્ટે સલમાને ત્રણ લાખ રૂપિયામાં સાઉદીની એક વ્યક્તિને વેચી દીધી છે. ત્યારબાદ તે વ્યક્તિ સલમા પર લગ્નનું દબાણ કરવા લાગ્યો. સલમાએ લગ્નનો ઈન્કાર કર્યો તો તે વ્યક્તિ માનસિક અને શારીરિક યાતનાઓ અાપવા લાગ્યો. સલમાએ મેસેજમાં ભારત સરકારને તેને ભારત પરત લાવવાની અપીલ કરી હતી. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પ્રોટેક્લ જનરલ ઓફ ઈમિગ્રન્ટ્સ એમ.સી. લુથરને તે એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે. જેણે સલમાને સાઉદી અરબ મોકલી હતી.
http://sambhaavnews.com/

You might also like