હૈદરાબાદ યુનિ.માંથી રોહિત વેમુલાનું સ્મારક હટાવાશે

હૈદરાબાદ: હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફરી એક વાર નવો વિવાદ ઊભો થવાની દહેશત છે. અહેવાલો અનુુસાર યુનિવર્સિટી વહીવટી તંત્રની બેઠકમાં કેમ્પસમાંથી તમામ અનધિકૃત સ્મારકો અને બાંધકામો હટાવવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય હેઠળ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરનાર દલિત રિસર્ચ સ્કોલર રોહિત વેમુલાનું સ્મારક અને કેમ્પસમાં મૂકવામાં આવેલ ડો.ભીમરાવ આંબેડકરની તસવીરોને પણ હટાવવામાં આવશે.

યુનિવર્સિટીના નિર્ણય અનુસાર કેમ્પસમાં દેખાવો કરી રહેલા રોહિત વેમુલાના સમર્થક વિદ્યાર્થીઓએ લગાવેલા ટેન્ટને પણ હટાવવામાં આવશે અને આ મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન ફરીથી ઉગ્ર બને તેવી દહેશત પ્રવર્તે છે. રોહિત વેમુલાની આત્મહત્યા પર થયેલા ઊહાપોહ બાદ રજા પર ઊતરી ગયેલા વાઇસ ચાન્સેલર અપ્પારાવ બે મહિના બાદ પરત આવતાં વિદ્યાર્થીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા.

ત્યાર બાદ અશાંતિને ધ્યાનમાં લઇને વાઇસ ચાન્સેલર અપ્પારાવે યુનિવર્સિટીનું કામકાજ સરળ રીતે ચાલે તે માટે વાલીઓ અને વિદ્યાર્થીઓનો સહકાર માગ્યો છે. આ અગાઉ યુનિવર્સિટીના ધરપકડ કરાયેલા રપ વિદ્યાર્થી અને બે અધ્યાપકને ચેરાપલ્લી સેન્ટ્રલ જેલમાંથી મુકત કરવામાં આવ્યા હતા. તા.રર માર્ચે કેમ્પસમાં થયેલ હિંસાની ઘટનાના સંદર્ભમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા.

You might also like