હૈદ્રાબાદ યુનિ.માં દલિત વિદ્યાર્થીની આત્મહત્યાનો કેસ

નવી દિલ્હી : હૈદરાબાદ યુનિવર્સિટીમાં પીએચડી કરતા એક દલિત વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કર્યાની ઘટનાને પગલે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યોએ આજે અહીં માનવ સંસાધન વિકાસ મંત્રાલયની બહાર દેખાવો કર્યા હતા. તેમને વિખેરવા માટે પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે ફરજ પરના પોલીસોએ આંદોલનકારી વિદ્યાર્થીઓને વિખેરવા માટે તેમની પર પાણીનો મારો ચલાવ્યો હતો.

દેખાવકારોમાંના એક, સાદવિક કરણસિંહે કહ્યું હતું કે અમારું માનવું છે કે રોહિત વેમૂલા નામના તે પીએચડી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી નહોતી, પણ તેની હત્યા કરવામાં આવી છે. એમાં સંડોવાયેલા દરેક જણને સજા થવી જોઈએ.પછી એ તેલંગણાના ભાજપના સંસદસભ્ય પણ ભલે હોય. પ્રકાશ નામના એક અન્ય દેખાવકારે કહ્યું હતું કે આ સરકાર, આરએસએસ અને એબીવીપી, ભાજપના ગુંડાઓએ કરાવેલી હત્યા છે. અમે આનો સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ૧૨ દિવસ પહેલાં હૈદરાબાદ યુનિવર્સિટીમાંથી પાંચ દલિત વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરી હતી. એમાંના એક, રોહિતે (૨૫) રવિવારે રાતે આત્મહત્યા કરી હતી. તે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં તેની રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. એનએસયૂઆઈના વિદ્યાર્થીઓએ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીનાં નિવાસસ્થાનની બહાર પણ દેખાવો કર્યા હતા, પણ પોલીસે એમને ટાંગાટોળી કરીને હટાવ્યા હતા.

You might also like