પતિએ પત્ની પર એસિડ છાંટવાની ધમકી આપી

અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતાં દંપતીનો ઝઘડો ગઈ કાલે જાહેર રોડ પર ચર્ચાનો વિષય બન્યો હતો. શાહીબાગમાં રહેતી એક પરિણીતાને ગઈ કાલે તેના પતિએ શાહીબાગ ઓવરબ્રિજ પર ઝઘડો કરી, મારામારી અને તેના પર એસિડ છાંટવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ તેના પતિ વિરુદ્ધ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શાહીબાગ વિસ્તારમાં આવેલા જુલી એપાર્ટમેન્ટમાં મનીષાબહેન હિતેશભાઈ પુરણમલ (જૈન), (ઉં. વ. ૩૧) રહે છે. ગઈ કાલે રાત્રે ૯.૩૦ની આસપાસ મનીષાબહેન શાહીબાગ ઓવરબ્રિજ પર આવેલી સીડી પરથી જઈ રહ્યાં હતાં તે દરમિયાન શાહીબાગના જ સત્યમ્ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ હિતેશભાઈ પુરણમલ (જૈન) ત્યાં આવ્યા હતા અને મનીષાબહેન સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળાગાળી કરી હતી એટલું જ નહીં, તેઓએ તેમની પત્નીને માર મારી અને તેના પર એસિડ છાંટી દેવાની ધમકી આપી હતી.

બંને પતિ-પત્નીનો જાહેર રોડ પર ઝઘડો જોઈ ત્યાંથી પસાર થતા લોકો પણ ઊભા રહી ગયા હતા. મનીષાબહેને આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી. મનીષાબહેને તેમના પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like