સામાન્ય ઝઘડામાં પત્નીએ છરીના ઘા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારના મિલ્લતનગરમાં આવેલા સિરાજનગરનાં છાપરાંમાં પતિ પત્ની વચ્ચે થયેલા કંકાસનો કરુણ અંત આવ્યો છે. ઝઘડામાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિ ઉપર છરી વડે હુમલો કરતાં પતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. ઇસનપુર પોલીસે આ મુદ્દે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને પતિની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. ત્યારે હત્યાના ગુનામાં સંડોવાયેલી પત્નીની ઇસનપુર પોલીસે ધરપકડ કરી છે.

ઇસનપુરના મિલ્લતનગરમાં આવેલા સિરાજનગરનાં છાપરાંમાં રહેતા 85 વર્ષિય વૃદ્ધ મહિલા ફાતમાબાનુ સૈયદે તેમના દીકરાની હત્યા તેની પુત્રવધૂએ કરી હોવાની ફરિયાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ઉલ્લેખનીય છેકે સિરાજનગરનાં છાપરાંમાં રહેતા 45 વર્ષિય અબ્દુલ ખાલિક અને તેની પત્ની નૂરજહાં વચ્ચે ગઇ કાલે મોડી રાતે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી જોતજોતમાં મામલો એટલો ગરમાયો કે નૂરજહાંએ તેના પતિ અબ્દુલ ખાલિક ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અબ્દુલ ખાલિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
ઇસનપુર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને પતિની હત્યામાં સંડોવાયેલી પત્નીની ધરપકડ કરી હતી. પોલીસે હત્યા માટે વપરાયેલી છરી કબજે કરીને એફએસએલની મદદ લઇને ઘટના સ્થળ પરથી પૂરતા પુરાવા એકત્રિત્ર કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તથા ઘટના સ્થળ ઉપર હાજર સ્થાનિકોનાં નિવેદનો લેતાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ પત્નીએ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ મુદ્દે ઇનસપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.દેસાઇએ જણાવ્યું છેકે અબ્દુલ ખાલિક અને નૂરજહાં વચ્ચે રોજેરોજ સામાન્ય બાબતે કંકાસ થતો હતો અને પતિ પત્ની એક બીજાં સાથે મારઝૂડ કરતાં હતાં ગઇ કાલે ઝઘડો એટલો બધો વધી ગયો કે નૂરજહાંએ અબ્દુલ ખાલિકને છરીના ધા ઝીંકી હત્યા કરી નાખી હતી.

You might also like