હત્યાના ગુનાનો પર્દાફાશઃ નણંદોઇ અને પતિએ જ પરિણીતાને જીવતી સળગાવી હતી

અમદાવાદ, શુક્રવાર
હિંમતનગરના સરવણા ગામની સીમમાંથી એક સપ્તાહ અગાઉ યુવતીની બળેલી હાલતમાં મળી આવેલી લાશના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. આ યુવતીના પતિ અને તેના નણદોઇએ તેને જીવતી સળગાવી દઇ હત્યા કરી હોવાનું બહાર આવતાં આ ઘટનાએ ચકચાર જગાવી છે.

હિંમતનગરમાં રહેતા અને મોબાઇલ રિપેરિંગનો ધંધો કરતા ભરત સોનીએ રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા તેના બનેવી હંસરાજ સોનીના પાડોશમાં રહેતી જુહી નામની યુવતી સાથે એક મહિના અગાઉ લગ્ન કર્યા હતા. એક મહિનાના લગ્નગાળામાં જ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોવાના કારણે ભરત સોની જૂહીથી કંટાળી ગયો હતો.

રોજબરોજના ઝઘડાથી કંટાળેલો ભરત તેના બનેવી હંસરાજને મળ્યો હતો અને જૂહીનું કાસળ કાઢી નાખવાની યોજના બનાવી હતી. તે યોજના મુજબ આ બંને સાળા-બનેવીએ જૂહીને બાડમેર લઇ જવાનું કહી કારમાં બેસાડી હતી અને જૂહીને આ બંને હિંમતનગર નજીક આવેલા સરવણા ગામની સીમમાં લઇ ગયા હતા.

હથોડીના ઘા ઝીંકી જૂહીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ પેટ્રોલ છાંટી જીવતી સળગાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ નાસી છૂટ્યા હતા અને જૂહીનો થેલો અમદાવાદ આવી સાબરમતી નદીમાં ફેંકી દીધો હતો. પોલીસને અર્ધ બળેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે આ દિશામાં ઝીણવટભરી તપાસ કરી હત્યાના ગુનાનો પર્દાફાશ કર્યો હતો અને જૂહીના પતિ ભરતની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે જ્યારે તેનો બનેવી હંસરાજ નાસી છૂટ્યો હોઇ શોધખોળ શરુ કરી છે.

You might also like