પતિને ઈમ્પ્રેસ કરવા માટે પત્ની નકલી પોલીસ બની!

અમદાવાદ: પત્ની પોતાના પતિને ઈમ્પ્રેસ કરવા માટે સુંદર રીતે તૈયાર થાય, તેને સરપ્રાઈઝ આપે, તેની મનગમતી વસ્તુઓ કરે તેવું સાંભળ્યું હશે, પરંતુ ક્યારેય પત્ની પોતાના પતિને ઈમ્પ્રેસ કરવા હું પોલીસમાં નોકરી કરું છું તેવું સાંભળ્યું નહીં હોય. શાહપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિને ઈમ્પ્રેસ કરવા અને પોતે પણ નોકરી કરે છે તેવું બતાવવા માટે રેલવે પોલીસ ફોર્સનો ડ્રેસ પહેરી અને રેલવે સ્ટેશન પર ફરતી હતી. ગઈ કાલે સાંજે મહિલા આરપીએફને આ મહિલા પર શંકા જતાં તેની પૂછપરછ કરી પોતે આરપીએફમાં ન હોવાનું જણાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેલવે પોલીસ ફોર્સનાં શિવકુમારી અને ઊર્મિલાબહેન નામનાં બે મહિલા પોલીસ કર્મી કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. ૨ પર પેટ્રોલિંગમાં હતાં. દરમિયાનમાં રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ)નો ડ્રેસ પહેરેલી એક મહિલા પર શંકા જતાં તેને રોકી પૂછપરછ કરી આઈ કાર્ડ વગેરે માગતાં તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું. જેથી તેની પોલીસે વધુ પૂછપરછ કરતાં તેનું નામ પ્રિયંકા સંજયભાઈ પટેલ (ઉં.વ. ૨૪, રહે. હલીમની ખડકી, શાહપુર) હોવાનું જણાવ્યું હતું.

આરપીએફના ડ્રેસ બાબતે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશથી તેણે આ ડ્રેસ સિવડાવ્યો હતો અને તેના પતિને પોતે નોકરી કરે છે તેવું બતાવીને ઈમ્પ્રેસ કરવા માટે આરપીએફનો ડ્રેસ પહેરી અને રેલવે સ્ટેશન પર આવતી અને બાદમાં મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતરી જતી હતી. અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠવાએ જણાવ્યું હતું કે પ્રિયંકા પટેલે બે ત્રણ વર્ષ અગાઉ લવ મેરેજ કર્યાં છે અને પોતે પતિને નોકરી કરે છે તેવું બતાવવા માટે આ રીત ડ્રેસ પહેરી ફરતી હતી.

You might also like