સંબંધોનો લોહિયાળ અંત!, દિલ્હીમાં એર હોસ્ટેસની હત્યામાં પતિની ધરપકડ

ન્યૂ દિલ્હીઃ દહેજની કુપ્રથા માત્ર ગ્રામીણ વિસ્તારમાં જ નથી. દિલ્હી જેવાં શહેરમાં પણ દહેજની માંગ જીવલેણ સાબિત થઇ રહી છે. એક એર હોસ્ટેસ કે જેની સામે ઉજળું ભવિષ્ય હતું, વૈભવી જીવન હતું. તેનાં ઘરમાં દહેજનાં નામે તકરાર શરૂ થઇ અને મામલો એટલી હદ સુધી પહોંચી ગયો કે એર હોસ્ટેસને જીવ ગુમાવી દેવો પડયો. જો કે પ્રાથમિક તપાસ બાદ પોલીસે એર હોસ્ટેસનાં પતિની ધરપકડ કરી લીધી છે.

દિલ્હીમાં ફરી એક વાર સંબંધોનો લોહિયાળ અંત આવી ગયો છે. 39 વર્ષિય એક એર હોસ્ટેસે તેનાં જ ઘરની છત પરથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. પરંતુ વૈભવી જીવનનાં અંત પાછળની કહાનીનાં જે રાઝ ખુલી રહ્યાં છે તે એકદમ ચોંકાવનારા છે. કારણ કે આત્મહત્યાની ઘટના હત્યાથી કંઇ ઓછી નથી.

એર હોસ્ટેસ અનિશિયા બત્રા લુફ્થાન્સા એરલાઇન્સમાં કામ કરતી હતી. પરંતુ દહેજ મામલે તેનાં પતિ મયંક સાથે વિવાદ થયો હતો. લગ્ન સમયે મયંકને BMW કાર અને ડાયમંડની વીંટી આપવામાં આવી હતી. પરંતુ મયંકનાં પરિવારે હજુ વધારે દહેજની માંગણી કરી હતી એટલે અનિશિયા અને મયંક વચ્ચે અનેક વાર ઝઘડા થયાં. આખરે ઘરનાં કકળાટમાં અનિશિયાનાં જીવનનો અંત આવી ગયો.

પરંતુ આ મોત પહેલાં અને પછી બનેલી ઘટના શંકા ઉભી કરી રહી છે. અનિશિયાએ મોત પહેલાં જ મેસેજ કરીને પતિને આત્મહત્યાની જાણ કરી હતી. તો પોતાનાં માતા-પિતાને પણ મેસેજ કરીને મદદ માગી હતી. અનિશિયાનાં મોત બાદ પણ પોલીસે ઘરને સીલ ન કર્યું. એટલું જ નહીં અનશિયાનાં મોત બાદ પણ તેનો પતિ મયંક ઘરમાં રહ્યો એટલે ઘણાં પુરાવાનો નાશ કરવાની સંભાવનાથી પણ ઇન્કાર કરી ન શકાય. તો અનિશિયાનાં પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં ન આવી. એટલે બીજી વખત પોસ્ટમોર્ટમ કરવું પડયું.

જો કે હાલમાં પોલીસે મયંક અને તેનાં માતાપિતા પર દહેજ માટે અત્યાચાર કરવાનો કેસ નોંધ્યો છે. આ સાથે જ દહેજમાં આપવામાં આવેલી કાર અને વીંટી, તેમજ મોબાઇલ ફોન જપ્ત કરી લીધાં છે. તેમજ મયંકનાં પરિવારનાં બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે. કારણ કે પોલીસને એવી શંકા છે કે આ કેસ આત્મહત્યાનાં બદલે હત્યાનો પણ હોઇ શકે છે.

You might also like