સૌથી વિનાશકારી ઇરમા આજે અમેરિકા પર ત્રાટકશેઃ ત્રણ કરોડ લોકો પ્રભાવિત થશે

વોશિંગ્ટન: અમેરિકામાં હવે આજકાલમાં એટલાન્ટિક સમુદ્રનું અત્યાર સુધીનું સૌથી પ્રચંડ તોફાન ત્રાટકનાર છે. કેરેબિયન ટાપુઓ પર તારાજી અને તબાહી મચાવ્યા બાદ હવે ઇરમા અમેરિકા તરફ આગળ વધી રહ્યું છે અને તેના પગલેે અમેરિકામાં અનેક સ્થળોએ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ તોફાન આજ રાત સુધીમાં અમેરિકાને ઘમરોળવા પહોંચી જનાર છે અને એક અંદાજ અનુસાર ત્રણ કરોડ લોકો તેનાથી પ્રભાવિત થશે.

૧૬૬ વર્ષમાં પ્રથમ વાર એવું બન્યું છે કે ૧પ દિવસમાં અમેરિકામાં બે પ્રચંડ તોફાનો (હાર્વે પછી ઇરમા) ત્રાટકયા છે. કેરેબિયન ટાપુ સેન્ટ માર્ટીન ઇરમાને કારણે સંપૂર્ણપણે સાફ થઇ ગયો છે. કેરેબિયન ટાપુમાં ઇરમાથી સર્જાયેલી તારાજી અને તબાહીમાં ૧પ લોકોનાં મોત થયાં છે અને હજારો લોકો બેઘર બની ગયા છે. કેરેબિયન ટાપુઓ પર લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા ઘરની બહાર નીકળી રહ્યા છે અને સુપર માર્કેટ તેમજ ગેસ સ્ટેશનની બહાર કતારો જોવા મળી રહી છે.

સેન્ટ માર્ટીનમાં કેટલાયે મકાનોની છત ઊડી ગઇ ેછે. ઇરમાને કારણે પ્યુટોરિકો આઇલેન્ડમાં વીજ તંત્ર અને પ્લાન્ટ સંપૂર્ણપણે ખોરવાઇ ગયા છે અને એવું કહેવાય છે કે હવે છ મહિના સુધી લોકોને વીજળી વગર ચલાવવું પડશે.
અમેરિકામાં મિયામી શહેર વિસ્તારના કેટલાક ભાગમાંથી લોકોને હટી જવાનો આદેશ કરવામાં આવ્યો છે. લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. વિજ્ઞાનીના અંદાજ મુજબ ઇરમા ફલોરિડાના સમગ્ર એટલાન્ટિક સમુદ્ર કાંઠાને પ્રભાવિત કરી શકે તેમ છે. મિયામી યુનિવર્સિટીમાં રિસર્ચર બ્રાયન મેક ગોલ્ડીએ જણાવ્યું છે કે અમેરિકાના ઇતિહાસમાં ઇરમા સૌથી વિનાશકારી તોફાન પુરવાર થઇ શકે છે. શાળા અને કોલેજોને શેલ્ટરમાં ફેરવી નાખવામાં આવી છે. ફલોરિડાના ચાર જહાજની મદદથી સુર‌િક્ષત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફલોરિડાના સમુદ્ર કાંઠાના વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લોકોને એક મહિનાની દવા અને ઇમર્જન્સી કિટ રાખવા સૂચના આપવામાં આવી છે.

You might also like