માનવતાની દીવાલ

આપણે  રસ્તા પરથી પસાર થતા હોઇએ અને ત્યારે જ કોઇ પ્રજ્ઞાચક્ષુને રસ્તો ક્રોસ કરાવતું હોય તો તે જોઇને આપણાથી અજાણપણે બોલી જવાશે કે ભલે લોકો કહેતાં કે કળિયુગ આવી ગયો છે, પરંતુ માનવતા હજુ મરી પરવારી નથી. આવી જ માનવતાની મહેર આજકાલ પાલનપુરમાં જોવા મળી રહી છે. પાલનપુરમાં આવેલી જી. ડી. મોદી કૉલેજ, અરોમા ચોકડી નજીક એક દીવાલ છે. ત્યાંથી પસાર થતી વેળાએ દીવાલ પરનું લખાણ વાંચવા લોકો ઉત્સુક બની જાય છે. આ દીવાલ પર લખવામાં આવ્યું છે માનવતાની દીવાલ. તમારી પાસે જે વધારે છે તે અહીં મૂકી જાઓ ને તમારે જે જરૂરતનું છે તે લઇ જાઓ. માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે.

આ દીવાલ જરૂરિયાતમંદ લોકો માટે વસ્તુ મેળવવાનું સાધન બની છે. આ વિશે વાત કરતા દીવાલ પર પેઇન્ટ કરાવનાર વિમલભાઇ પટેલ કહે છે, “અમારા ગ્રૂપે ભેગા મળી આ રીતે એક સારું કામ કરવાની શરૂઆત કરી છે. જેમાં લોકોનો સારો સહકાર પણ મળ્યો છે. આ દીવાલ પર સૌથી વધુ લોકો કપડાં અને બૂટ,ચંપલ મૂકી ગયા છે. તો બીજી બાજુ જેને આ ચીજવસ્તુની જરૂર છે તે લોકો લઇ પણ જાય છે. અત્યાર સુધી જે કોઇ પણ આવ્યું છે તે સેવાના ભાવે જ આવે છે અને જેને ખરેખર જરૂર છે તે લોકો જ આવેલી ચીજવસ્તુ લઇ જાય છે.”

માનવતાની આ દીવાલને આગળ કેટલી સફળતા મળશે તે તો સમય જ નક્કી કરશે, પરંતુ આ રીતે સમાજમાં એક સારું કાર્ય કરવું તે પણ એક મોટી સેવા જ છે.  આવી માનવતાની દીવાલ ગામેગામ હોય તો?
http://sambhaavnews.com/

You might also like