સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં ગુજરાતમાં સુરત નજીક થઈ હતી માનવ ઉત્પત્તિ

ચંડીગઢ, બુધવાર
પંજાબ યુનિવર્સિટીના જિયોલોજી વિભાગના એમીરેટસ પ્રોફેસરે માનવ ઉત્પત્તિ પર દસ વર્ષ સુધી રિસર્ચ કર્યું તેમાં જાણવા મળ્યું કે ગુજરાતમાં માણસની ઉત્પત્તિ થઇ હતી. જગ્યાનું નામ વસ્તાન છે અને તે સુરતમાં આવેલ છે. જીવ વિજ્ઞાની ડો.અશોક સાહનીના રિસર્ચમાં આ વાત સામે આવી છે.

વર્ષો સુધી ચાલેલા રિસર્ચમાં ત્યાંના કોલસાની ખાણોનાં સેમ્પલ ચેક કરાયાં. આ ઉપરાંત ત્યાં મળેલા માનવીય અવશેષો, હાડકાં અને ખોપરીઓની પણ તપાસ કરાઇ. રિસર્ચમાં જાણવા મળ્યું કે સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં માણસની ઉત્પત્તિ વરસાદનાં જંગલોમાં થઇ હતી.

દુનિયામાં કયાંય પણ આટલા જૂના સમયમાં માનવ ઉત્પત્તિની વાત સામે આવી નથી. ત્યાર બાદ એશિયાના કેટલાક અન્ય દેશ આવે છે જેમાં મ્યાનમાર અને ચીનનું સ્થાન આવે છે. ત્યાં માણસ હોવાની વાતને સમર્થન મળ્યું હતું. તે પહેલાં નર વાનર અથવા નાનકડા આકારમાં મળી આવતા હતા. આ વિષય પર પણ ડો.સાહની રિસર્ચ કરી રહ્યા છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં પણ રિસર્ચ કરે છે. પ્રો.સાહની યુનેસ્કો સાથે મળીને ૧૯૬૮થી કામ કરી રહ્યા છે.

આફ્રિકા સાથે જોડાયું હતું ભારત
ઘણી રોચક જાણકારીઓ આ સંશોધનમાં સામે આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે નવ કરોડ વર્ષ પહેલાં ઇન્ડિયા આફ્રિકાની નજીક હતું. જ્યાં હાલમાં ઇન્ડિયા છે ત્યાં પહેલાં સમુદ્ર હતો જે હટી ગયો અને ત્યાંનાં પ્રાણી હિમાલયમાં ભળી ગયા. હિમાલય જ્યાંથી શરૂ થાય છે ત્યાં એક તિરાડ છે.

નોર્થ ઇન્ડિયા હિમાલય તરફ ખસી રહ્યું છે
રિસર્ચમાં જાણવા મળ્યું કે નોર્થ ઇન્ડિયા હિમાલય તરફ ખસી રહ્યું છે. આ પહેલાં તે વિસ્તાર સાઉથ ઇન્ડિયા તરફ વધુ હતો એ પણ જાણવા મળ્યું છે કે ભારત ચીન સાથે ટકરાવાનું હતું. આ ઘટના ક્રમ ટકરાવ પહેલાંનો છે.

હાડકાંઓ અને દાંતનાં સેમ્પલ ચેક કર્યાં
રિસર્ચ દરમિયાન મળેલા માનવ હાડકાં અને દાંતનાં સેમ્પલ ચેક કરાયાં છે. તેને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યાં હતાં. જેમાં ઉપરની જાણકારી સામે આવી છે. ડો.સાહનીની સાથે કામ કરી રહેલા ડો.રાજીવે જણાવ્યું કે રિસર્ચ દસ વર્ષ સુધી ચાલ્યું. તેમાં ઘણા પૈસા લાગ્યા. લગભગ પ૦ લાખ રૂપિયાની રકમ તેની પાછળ ખર્ચાઇ.

જાનવરો અને વનસ્પતિ પર પણ અભ્યાસ
રિસર્ચમાં જાનવરો અને સરકતાં પ્રાણીઓના અવશેષોની પણ તપાસ કરાઇ. તેમાં ગરોળી, સાપ, મગરમચ્છ અને વાનર સામેલ છે. સેમ્પલની તપાસ રિપોર્ટ લેખન અને તે ભેગું કરવામાં ઘણો લાંબો સમય લાગ્યો છે. તે સમયની વનસ્પતિ સંબંધિત અવશેષોની પણ તપાસ કરાઇ.

You might also like