આજની પેઢી માટે અનુકરણીય અવધાન પ્રયોગ

ભારતનાં પ્રાચીન શાસ્ત્રોમાં માનવબુદ્ધિ વિકસાવવાના અનેક પ્રયોગો છે. એકાગ્રતાથી ગમેે તેટલી દુષ્કર કે અઘરી બાબત સહેલાઇથી યાદ રાખી શકાય છે. જો માનવ તેની ૭ ટકા બુદ્ધિ વાપરે તો તે સામાન્ય લોકો ન કરી શકે તેવાં કાર્યો કરી શકે અને જો તે પોતાની બુદ્ધિ ૧૦ ટકા વાપરી શકે તો તેના કાર્યને લોકો ચમત્કાર જેવાં માને. જૈન શાસ્ત્રો મુજબ  સ્મૃતિવિકાસની પ્રક્રિયા એટલે અવધાન. અવધાન એટલે કોઇ પણ બાબતને એકાગ્રતાથી ધારણ કરવું. જેની એકાગ્રતા વધુ હોય તેને એક સાથે અનેક વસ્તુઓ યાદ રાખતા કે અનેક કામ કરતાં કોઇ મુશ્કેલી પડતી નથી.

ગાંધીજી જેને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા હતા તે શ્રીમદ્ રાજચંદ્ર પણ શતાવધાની હતા. તેઓ એક સાથે સો ક્રિયાઓ કરી શકતા. તેઓે ત્રણ પ્રતિસ્પર્ધીઓ સાથે ચોપાટ, પત્તાં અને ચેસ રમવા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગાણિતિક ક્રિયાઓ કરીને તેના જવાબ મનમાં રાખીને સૌથી છેલ્લે જાહેર કરવા, જુદી જુદી ૧૬ ભાષાનાં ૧૬ વાક્યો સાંભળીને તે પછીથી બોલવાં, શબ્દ પરથી શ્લોક કે કવિતા રચવી, કોયડા બનાવવા જેવાં સો જેટલાં કાર્ય એક સાથે કરી શકતા.

ભુજમાં જૈન સાધ્વીજીએ પોતાની બુદ્ધિ અને મનની શક્તિનો ઉપયોગ કરીને અવધાનના પ્રયોગ કરી બતાવ્યા હતા. જૈન શ્વેતાંબર તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાશ્રમણજીનાં શિષ્યા સાધ્વી કનકરેખાશ્રીજીએ અવધાનના પ્રયોગ કરીને આજના યુગમાં પણ વિસ્મૃતિ દૂર કરી શકાય તેના ઉપાયો સહેલા અને હાથવગા હોવાનું સમજાવ્યું હતું.

૪૫ વર્ષનો દીક્ષાપર્યાય ધરાવતા ૬૫ વર્ષીય સાધ્વીજીએ અવધાન વિશે સમજાવતાં કહે છે કે, “આચાર્ય તુલસીએ ધર્મસંઘને આ વિદ્યાથી પ્રશિક્ષિત કર્યો હતો. અવધાન એટલે આપણી માનસિક શક્તિ, સ્મૃતિને વિકસિત કરવી. અવધાનમાં મુખ્ય ત્રણ બાબતો હોય છે- અમુક વસ્તુ ગોખીને યાદ રાખવી, અમુકને ગણિતના માધ્યમથી યાદ રાખવી અને અમુક બાબતને એકાગ્રતાથી મનના ઊંડાણમાં સંગ્રહી રાખવી. જે વ્યક્તિ પોતાની સ્મરણશક્તિને વધુ વિકસિત કરી શકે તે ક્યારેય પાછી પડતી નથી. આજના વિદ્યાર્થીઓ કે કામકાજી લોકો માટે સતેજ સ્મરણશક્તિ વધુ ઉપયોગી છે.”

પોતાની બાલ્યાવસ્થાની વાત કરતાં તેઓ કહે છે, “નાનપણમાં હું એકદમ સામાન્ય વિદ્યાર્થિની હતી પરંતુ હું મહેનત કરવામાં ક્યારેય પાછળ રહેતી નહીં. આજે મેં જે કાંઇ મેળવ્યું છે તે માત્ર અને માત્ર ગુરુકૃપા, મારી મહેનત અને લગનના કારણે છે. ગુરુ મહાશ્રમણજીની પ્રેરણાથી ધાર્મિક શિક્ષણ ઘણું મેળવ્યું છે. બી.એ. થઇ, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી ભાષામાં પારંગતતા મેળવી, જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. આ શિક્ષણ વખતે પણ અવધાનની વિદ્યા ઉપયોગી નીવડી હતી.”

અવધાનમાં અનેક વસ્તુઓને ગાણિતિક સૂત્રોમાં ફેરવીને સહેલાઇથી યાદ રાખી શકાય છે. તેમણે પ્રાચીન શ્લોક કે શાસ્ત્ર કંઠસ્થ કરી લીધાં છે. સ્મૃતિમાં ઊંડે તે સચવાયેલાં પડ્યાં છે. જ્યારે બીજી અનેક વસ્તુઓ પ્રાચીન ગણિતની પદ્ધતિથી યાદ રાખે છે. જેમાં તેઓ કોઇ પણ ૯ કે ૧૮અંકી સંખ્યા સાંભળીને યાદ રાખીને તે કલાક બે કલાકના સમય પછી યાદ કરીને બોલી શકે છે. કોઇ એક સંખ્યાના બીજી સંખ્યા સાથેના ગુણાકાર, ભાગાકાર કે સરવાળો કરીને આવેલા જવાબમાંથી ગમે તે ગુપ્ત રાખેલો અંક તેઓ થોડી સેકંડોમાં જ જણાવી શકે છે. તેઓ અંકસ્મૃતિ ઉપરાંત માળા મણકા શોધન, ગુપ્ત રકમ શોધન, શ્લોક કે ભાષાસ્મૃતિ સહિતના વિવિધ પ્રયોગ કરી શકે છે.

મનની શક્તિનો સાચી રીતે એકાગ્રતા મેળવીને અભ્યાસ કરાય તો કોઇ પણ વ્યક્તિ આવા પ્રયોગ કરી શકે. આથી જ ભારતમાં પગપાળા વિહાર કરી આવેલાં આ સાધ્વીજી ઇચ્છે છે કે દરેક વ્યક્તિએ પોતાની અંદરની સુષુપ્ત શક્તિ જાગ્રત કરીને તેનો ઉપયોગ કરીને જીવનને સફળ બનાવવું જોઇએ.

You might also like