માણસને પોતાની વેદનાને વાચા આપ્યા વગર તો છૂટકો થતો નથી

અમેરિકન નવલકથાકાર સોલ બીલોની નવલકથા ‘હરઝોગ’માં હરઝોગ બેઠોબેઠો પત્રો જ લખ્યા કરે છે. હરઝોગ ફિલસૂફ છે અને ઊર્મિશીલ તથા ભલો માણસ છે. એણે જેમને ચાહ્યા એ લોકોએ એનું દિલ દુભાવ્યું છે. તે જાણે છે કે જેઓ તેને ચાહતા રહ્યાં છે તેમનું દિલ પણ પોતે દુભાવ્યું છે. જિંદગીમાં ડગલે-પગલે નાની-મોટી ઠોકર મળતી રહે છે. જ્યાં નજર કરે ત્યાં કંઈ ને કંઈ અન્યાય અને વિષમતા એ નિહાળે છે. સંવેદનશીલ માણસ તરીકે તેના હૈયામાં આથી બળતરા જાગે છે. તે અમેરિકાના પ્રમુખથી માંડીને પોતાને છોડી ગયેલી પત્ની સુધીના સૌ કોઈને પત્રો લખ્યા કરે છે.
કોઈની ઉપરનો પત્ર એ રવાના કરતો નથી, ટપાલપેટીમાં કે ફરિયાદપેટીમાં આવો પત્ર નાખવાની નિરર્થકતા તે સમજે છે. તે માત્ર પોતાની વ્યથાને વાચા જ આપે છે. તેના હાલહવાલ ચક્રમ જેવા લાગે, પણ તે ચક્રમ નથી. બુદ્ધિશાળી અને સમજદાર માણસ છે. હરઝોગને તેના અંગત જીવનમાં ક્યાંય ન્યાય મળતો નથી. તે જાણે છે કે તેણે પોતે પણ કોઈને બરાબર ન્યાય કર્યો નથી.

અંતરમાં પીડા છે, જેનું એક શીઘ્ર ચિત્ર પત્રમાં તે પ્રગટ કરે છે. લેખકે આધુનિક માનવીની અસહાય દશાનું બહુ માર્મિક આલેખન કર્યું છે. જરૂર તો છે બે માણસ વચ્ચેના સંવાદની, પણ સંવાદ તો શક્ય નથી. સૌ પોતપોતાના તાનમાં મસ્તાન છે. કોઈક તમને પીડા આપીને ‘ક્ષમા’ માગવાનો ઉપલક શિષ્ટાચાર પણ કરે છતાં તમને ખબર છે કે આ શિષ્ટાચાર છે અને તેને તમારી વાતમાં કાંઈ રસ નથી. એ પોતાની તરસ છિપાવવા મૃગજળની પાછળ દોડે છે. તેના કંઠને શાતા આપનારું જળ તમારી પાસે હોય તો પણ તમે તેને આપી શકતા નથી, કેમ કે માણસ જ્યાં ઊભો જ રહેતો નથી, તમારી વાત સાંભળતો નથીઃ અરે, પોતાની વાત પણ કહેતો જ નથી ત્યાં તમે શું કરો? સંવાદ નથી એટલે તમારે એકલાએકલા તમારી પીડાને આત્મસંભાષણ રૂપે જાહેર કરવી પડે. હરઝોગની જેમ કોઈ ને કોઈ ચિઠ્ઠીમાં એ ઉકળાટને બાંધી દેવો પડે.

તમને રસ્તા ઉપર ઘણા માણસ પગે ચાલતાં, સાઈકલ કે સ્કૂટર ઉપર, એકલાએકલા કાંઈક બોલતાં દેખાશે. કોઈવાર આપણને મજાક પણ સૂઝે! એકલો શું બોલતો હશે? લવારો કરે છે કે શું? તમે મંદિર કે દેવસ્થાનમાં માણસોની પ્રાર્થના કે ફરિયાદ સાંભળશો તો પણ થશે કે આમાં માગણીઓ જે હોય તે -ખાસ તો આ વેદનાનું અર્પણ છે. કોને જઈને કહેવું ? માણસને એક મૂંઝવણ છે. તેને ખબર છે કે પોતાની પીડા કોઈને જણાવવાથી કોઈ એ લઈ લેવાનું નથી. ઘણુંખરું તો સાચી સહાનુભૂતિ પણ મળવાનો સંભવ નહીંવત્‌ હોય. કેટલીક વાર બીજા માણસની નજરમાં ‘નિર્બળ’ કે ‘દયાપાત્ર’ બની રહેવાનું જોખમ હોય. છતાં માણસને પોતાની વેદનાને વાચા આપ્યા વગર તો છૂટકો થતો નથી. હરઝોગ તો ગમે ત્યાં બેઠાંબેઠાં, હોટેલમાં કે ટ્રેનમાં પત્ર લખી શક્તો. મોટા ભાગના માણસો માટે આવું શક્ય નથી. ત્યારે શું કરવું?

પત્ર લખી શકય તેમ નથી, કોઈ નિકટના મિત્ર કે સંબંધી પાસે નાની-મોટી પીડાઓનું ગાણું પણ ગાઈ શકાય તેવું નથી. એકલાએકલા બોલવાની આદત પણ નથી અને પોતાની શોભાની લાગણી એવું સૂચવે છે કે આવી રીતે ઊભા રસ્તે હોઠ ફફડાવીએ તે સારું ન લાગે. આવી સ્થિતિમાં શું કરવું? માણસ કંઈ માત્ર પીડા જાહેર કરવા ખાતર જ જાહેર નથી કરતો, તે ખરેખર તો પોતાને થયેલા-થઈ રહેલા અન્યાયો માટે જવાબ માગે છે. પણ તેને એ વાતની પણ ખબર છે કે જવાબ આપનાર પણ કોઈ નથી અને ઊંડેઊંડે એવું પણ લાગે છે કે પોતે તદ્દન નિર્દોષ નથી.

પોતાનો પણ કાંઈક દોષ છે, છતાં એ દોષના પ્રમાણમાં તેને થયેલી શિક્ષા મોટી લાગે છે. પણ માણસ જરા વધુ વિચાર કરે તો તેને સમજાય છે કે જિંદગીનો આ મેળો માણવો જ હશે તો ન્યાય-અન્યાયનું ત્રાજવું બધો વખત માથે ઉપાડીને ફરવાનો પ્રયાસ કરવાથી માણી નહીં શકાય. જિંદગીની લેવડદેવડનો આ કારભાર એટલો મોટો છે કે તમે ગમે તેવી ચીવટ રાખવા જશો તો પણ કોણ પૈસા આપીને જમી ગયો અને કોણ બમણા પૈસા આપીને જમ્યા વગર જતો રહ્યો તેનો સાચો હિસાબ કાઢી જ નહીં શકે. અન્યાયની લાગણીમાંથી છૂટવાનો એક જ રસ્તો છે, આપણને થયેલા અન્યાયના કિસ્સામાં શકનો લાભ આપીને બધાને છોડી મૂકવા અને બીજાઓને થયેલા અન્યાયમાં આપણે સામેલ નથી- ન જ હોઈએ તેની તકેદારી રાખવી.

You might also like