મનુષ્યે માનવતા ખોઇ તેથી સંસારમાં પ્રશ્નો સર્જાયાં

મનુષ્‍યે, મનુષ્‍યપણું ખોઇ દીધું છે. તેનાથી સંસારમાં પ્રશ્નો સર્જાયા છે. તરવાનું ન જાણે તે પાણીમાં ડૂબી જાય છે. સંસાર સાગર કહેવાય. આ તો વગર પાણીએ ડૂબ્યાં! પેલા પાણીમાં ડૂબે તો તેને તારી શકાય, પણ આ સંસારમાં ડૂબે તો શી રીતે તારી શકાય ? ઇશ્વરની ઉપાસના એ બ્રહ્મયજ્ઞ છે. સવાર-સાંજ હવન-સંધ્‍યા કરવા જોઇએ. સો કામ છોડી સમયસર સ્‍નાન કરવું જોઇએ. હજાર કામ છોડી સમયસર ભોજન કરવું જોઇએ. લાખ કામ છોડી સવાર-સાંજ ઇશ્વર પ્રાર્થના કરવી જોઇએ.

એક અઠવાડિયું સમયસર સ્‍નાન, ભોજન તથા પ્રાર્થના કરી જુઓ જીવન બદલાઇ જશે. સંસાર સાગર મોહ જળ ભરિયો, મારે તારે ભરોસે તરવું છે. નદીમાં જેટલા કાંકરા છે એટલા શંકર છે પણ આ બધી ભાવનાની વાત છે, આસ્થાની વાત છે. આસ્થા ને શ્રદ્ધા ન હોય તો દેવ (મૂર્તિ) પણ પથ્થર જ ભાસે છે. સંસારનું સુખ તો એવું અળવિતરું છે કે જેને નથી મળ્યું એને મેળવવા માટે ઝંખે છે અને જેને મળ્યું છે એને અધિક મેળવવા માટે.

જેને વ્યક્તિ સુખનું સાધન ગણતી હોય એ જ દુઃખનાં સાધન બની જઈને સંતાપ સર્જતા હોય માટે જ જ્ઞાનીઓએ આવાં સંસાર સુખથી સાવધ રહેવાનું કહ્યું છે. જ્ઞાનીઓ કહે છે કે, સંસારમાં સુખ તો છે જ નહીં પણ માનો કે હોય તો ય તે કારમું છે માટે એમાં લીન ન બનવું આ લોકમાં ન મુંઝાતા પરલોકની ચિંતા કરવી. ભગવાનને અવતાર લેવાનો મુખ્ય હેતુ શો છે?

આ સંસારનાં તમામ જીવ પ્રાણી-માત્ર ત્રિવિધ તાપમાં તપી ગયા છે, ડૂબકાં ખાય છે તેના ઉદ્ધાર માટે અને પોતાના પ્રેમી ભકતોના મનોરથ પૂરા કરવા પ્રભુ પધારે છે. એ જ અવતાર લેવાનું પ્રયોજન છે. ચૂલા ઉપર તપેલાંમાં ખીચડી ચડતી હોય ત્યારે પાણીમાં અનાજના દાણા જેમ ખદબદે, તેમ સંસારમાં રહેલા માયાના જીવો કામ, ક્રોધ, લોભ, મોહ, માયા વગેરે દોષોથી ખદબદે છે, અટવાયા કરે છે. ત્રિવિધ તાપથી પ્રભુ છોડાવવા આવ્યા છે, ભવસાગરમાં અથડાતા જીવને તારવા આવ્યા છે.

ભગવાનને શરણે જે જીવ આવે તેને પ્રભુ મુક્ત કરે છે. શ્રીહરિને શરણે કોણ આવે ? જે સંસારથી ઉદાસ થઇ જાય તે, જેને પંચવિષયનાં સુખ તુચ્છ થઇ જાય, તે શ્રીહરિને શરણે આવે. જેને ભોગ વહાલા લાગે એને ભગવાન વહાલા ન લાગે. આ જગતની અંદર માણસો વિષયો અને વાસનાની પાછળ જિંદગી ખલાસ કરી નાખે છે. ઇશ્વર સંસાર સાગરના તારક છે.

જે સતત સંસારમાં જ રચ્યા પચ્યા હોય, કુટુંબ પાછળ રચ્યા પચ્યા હોય, પૈસા માટે મૂઠી વાળીને દોડતાં જ હોય, આવી માયામાં ખૂંચેલાની વાત નથી, માયાથી બચાવવાવાળાની વાત છે. મા કુંતાજીએ શું કહ્યું ? હે ભગવાન ! મને ગમે તેટલું દુઃખ પડશે તો પણ હું કોઇને શરણે નહિ જાઉં, તમારે જ શરણે આવીશ. કવેળે ભગવદાશ્રય જે થાય છે, જે સંસારથી થાકી જાય છે તેને ભગવાન જન્મ મરણરૂપીથી છોડાવે છે.

You might also like