વર્ષો પછી પણ યથાવત્ હુક્કાનો ક્રેઝ

વર્ષોથી ચાલી આવતી તમામ બાબતો થોડાક ફેરફાર સાથે ફરીથી ફેશનમાં આવે છે. તેવું જ કંઈક હુક્કાનું પણ છે. વર્ષો પહેલાં જે હુક્કો રાજા મહારાજાઓ તેમજ ઉમરાવોની પ્રતિષ્ઠા ગણાતો તે આજે યુવાઓનું સ્ટેટ્સ બની ગયો છે. જોકે પહેલાં ચિનાઈ માટીમાંથી બનાવેલા હુક્કાનું ચલણ હતું જ્યારે આજે સીસાના હુક્કા ટ્રેન્ડમાં છે. હુક્કાબાર ઉપર ચાર વર્ષ સુધી પ્રતિબંધ રહ્યાં બાદ છેલ્લા એક વર્ષથી તેની ઉપરથી પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ સહિતનાં કેટલાંયે શહેરોમાં આજે અનેક હુક્કાબાર ફરીથી ધમધમતાં થયા છે.

હુક્કાબારમાં હવે અનેક ફ્લેવર્સમાં હુક્કો પીરસવામાં આવે છે. યંગસ્ટર્સની માગ પ્રમાણેની ફ્લેવર્સ પણ બનાવી આપવામાં આવે છે. આજની યુવાપેઢીમાં હુક્કાનો ક્રેઝ વધે તેમજ તેઓ હુક્કા પ્રત્યે આકર્ષાય તે માટે હવે તેને નવાં રંગરૂપ આપવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં આવેલા હબીબ્સ હુક્કાબારના મેનેજર પાર્થ શાહ કહે છે, “હમણાં ફ્રૂટ હુક્કા ટ્રેન્ડ ઇન છે. તેમાં કોઈ પણ ફ્રૂટનો બેઝ આપવામાં આવે છે. જેમ કે, પાઇનેપલ હોય તો તેને વચ્ચેથી કટ કરીને તેમાંથી સ્મોક લેવામાં આવે છે. આ રીતે એપલ, વૉટરમેલન અને ઓરેન્જની ફ્લેવર પણ કરી આપવામાં આવે છે. તેનાથી હુક્કામાં નેચરલ ફ્લેવર આવે છે. આ સિવાય હુક્કામાં પણ એક કે બે ફ્લેવર મિક્સ કરવામાં આવે છે.

હાલમાં એપલ-મિન્ટ, કિવી-મિન્ટ, પાન ફ્લેવર, ડબલ એપલ-કિવી, રજનીગંધા-મિન્ટ, ચોકલેટ, બ્લૂ બેરી વગેરે ફ્લેવર ઇન ડિમાન્ડ છે. યુવાઓ હુક્કાને કૂલ બનાવવા કોઈ પણ ફ્લેવરની સાથે મિન્ટ ફ્લેવર એડ કરાવે છે જ્યારે કે સ્ટ્રોંગ હુક્કો લેવા માગતાં યુવાનો તેમાં સોપારી ફ્લેવર મિક્સ કરાવે છે. આ સિવાય કેટલાક હુક્કા લવર્સ હુક્કામાં પાણીના સ્થાને દૂધ, રેડબુલ અને કોલ્ડ્રિંક પણ ભરાવે છે. મિલ્ક બેઝમાં ફ્લેવર વધારે સ્મૂધ થઇને આવે છે. જ્યારે કે રેડબુલમાં ફ્લેવર વધારે હાર્ડ બને છે અને તેનાથી હુક્કો વધારે સ્ટ્રોંગ લાગે છે.”

હવે તો હુક્કાબારમાં પણ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. કોેઈ ખાસ પ્રસંગે અથવા બર્થ ડે જેવા પ્રસંગે યંગસ્ટર્સ અહીં પાર્ટીનું આયોજન કરે છે. તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. આ સિવાય અનેક હોટલ્સમાં જ્યાં યંગસ્ટર્સની
પાર્ટી હોય ત્યાં હુક્કાનો ઓર્ડર પણ આપવામાં આવે છે. ખાસ બેચલર પાર્ટીમાં હવે તેનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આવી પાર્ટીમાં નોર્મલ પાર્ટી કરતાં થોડોક અલગ માહોલ હોય છે.

અમદાવાદમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં ભરત ચૌધરી કહે છે કે, “ગામડાંમાં આજે પણ હુક્કો ચાલે છે. ગામના પાદરે કે ચોકમાં વૃદ્ધો એકઠાં થઇને હુક્કાનો ગડગડાટ કરતાં નજરે ચઢે છે. શહેરમાં તેને થોડોક મોડર્ન લુક આપવામાં આવ્યો છે. ગામડાંના લોકો તમાકુની સાથે મહુડામાંથી બનાવેલ કાકમ હુક્કામાં મિક્સ કરે છે. જ્યારે શહેરમાં ચાલતા હુક્કાબારમાં માત્ર ફ્લેવર નાખવામાં આવે છે.”

હુક્કાબાર ચલાવતાં સંચાલકો કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખે છે. ૧૮ વર્ષથી નીચેની ઉંમરના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. દરેક હુક્કાબારમાં સીસીટીવી પણ લગાવેલા હોય છે. પોલીસ દ્વારા આ તમામ રેકોર્ડને દરેક અઠવાડિયે ચેક કરવામાં આવે છે.

પારુલ ચૌધરી

You might also like