ચેલેન્જ ન હોય તો રોમાંચ શેનોઃ ઋત્વિક રોશન

વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બેંગ બેંગ’ બાદ ઋત્વિક રોશન થોડા સમય માટે રૂપેરી પરદેથી ગાયબ રહ્યો. અા સમયગાળા દરમિયાન તેણે હની સિંહના ગીત ‘ધીરે ધીરે’ના વીડિયોમાં સોનમ સાથે અાવીને પોતાના ચાહકો માટે સંકેત અાપ્યા કે પરિસ્થિતિ ગમે તે હોય ઋત્વિકનો જલવો ઘટવાનો નથી. હાલમાં તે પોતાની અાગામી ફિલ્મ ‘મોહનજોદડો’ને લઈને તે ખૂબ ઉત્સાહી છે. તે કહે છે કે અા એક એપિક એડ્વેન્ચર લવસ્ટોરી છે, જેને અાશુતોષ ગોવારિકર ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં મારી સાથે પૂજા હેગડે છે.
અાશુતોષ ગોવારિકર અંગે વાત કરતાં ઋત્વિક કહે છે કે ‘જોધા અકબર’ બાદ અાશુતોષ સાથે હું ફરી વાર કામ કરી રહ્યો છું. અાશુતોષનું વિઝન સ્પષ્ટ હોય છે. તે પિરિયડ ફિલ્મ બનાવવામાં નિષ્ણાત છે. ગુજરાતના ભૂજમાં અમે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે, અહીં ૫૦ ડિગ્રી ટેમ્પરેચરમાં શૂટિંગ કરવું અમારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી.
પિરિયડ ફિલ્મમાં કામ કરવું કેટલું ચેલેન્જિંગ છે તે સવાલના જવાબમાં ઋત્વિક કહે છે કે અામ તો અભિનેતા માટે દરેક રોલ પડકારરૂપ હોય છે. માત્ર પિરિયડ ફિલ્મમાં કામ કરવું ચેલેન્જિંગ છે તેવું હું માનતો નથી. કોઈ પણ વસ્તુમાં જો ચેલેન્જ ન હોય તો તેનો રોમાન્ચ પણ ખતમ થઈ જાય છે. •

You might also like