નકલી સંબંધો નિભાવવા ન હતાઃ સુઝાન ખાને પહેલી વાર મૌન તોડ્યું

મુંબઈ: ઋત્વિક રોશન અને સુઝાન ખાનનો સંબંધ ૨૦૧૩માં પૂર્ણ થઈ ગયો, છતાં પણ બંને ઘણા અવસરે એકસાથે જોવા મળ્યાં. બંને પોતાનાં બાળકોની સાથે ઘણી વાર જોવા મળે છે. અા બધાની વચ્ચે પહેલી વાર સુઝાને સંબંધ પૂરો થવાનું કારણ જણાવતાં કહ્યું કે અમારા સંબંધોમાં ખટાશ અાવ્યાનાં ઘણાં કારણ બહાર અાવ્યાં હતાં. મીડિયાઅે એમ પણ કહ્યું કે ઋત્વિકને કોઈકની સાથે અફેર હતો તો અર્જુન રામપાલને પણ તણાવ અાવવાનું કારણ જણાવાયું.

સુઝાને અા સત્યનો પહેલી વાર ખુલાસો કરતાં જણાવ્યું છે કે અમે અમારી જિંદગીના એ સ્ટેજ પર પહોંચી ગયા હતા, જ્યાં અમે નક્કી કર્યું કે અમારું અલગ રહેવું જ યોગ્ય ગણાશે. નકલી સંબંધો નિભાવવાના બદલે તમારે સત્યનો સામનો કરવો જોઈઅે.

બોલિવૂડમાં ઋત્વિક અને સુઝાનને પરફેક્ટ કપલ માનવામાં અાવતું હતું, પરંતુ ૨૦૧૪માં બંનેઅે અલગ થવાની જાહેરાત કરી. સુઝાને કહ્યું કે અમે લોકો નજીકના મિત્રો હતા. અમે જ્યારે સાથે હતાં તેના કરતાં વધુ ચેટ અમે અાજે કરીઅે છીઅે. અમે અમારાં બાળકો માટે ખૂબ જ ક‌િમટેડ છીઅે અને એકબીજાનું સન્માન કરીઅે છીઅે. જ્યારે અમારાં બાળકો અમારી વચ્ચે હોય છે ત્યારે અમારા માટે સૌથી મહત્ત્વનું અે હોય છે કે અમે અમારા મતભેદ કે મનભેદને ભૂલીને તેમનું રક્ષણ કરીઅે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં કંગના અને ઋત્વિક વચ્ચે થયેલા વિવાદમાં સુઝાને ઋત્વિકને સાથ અાપ્યો હતો. કંગનાની લીગલ ટીમે એક ફોટો રજૂ કર્યો હતો, જેમાં ઋત્વિક કંગના સાથે જોવા મળ્યાં હતાં અને દાવો કરાયો હતો કે બંને રિલેશન‌િશપમાં હતાં. તેના અાગલા દિવસે સોશિયલ સાઈટ પર સુઝાને એક ફોટો જારી કર્યો હતો, જેમાં કંગના, ઋત્વિક અને સુઝાન પણ હાજર હતાં. તેણે સ્પષ્ટ કહ્યું હતું કે અા મુદ્દે તે ઋત્વિકની સાથે જ છે.
૧૩ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ ઋત્વિક અને સુઝાને પોતાના ૧૭ વર્ષના સંબંધોને ખતમ કર્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઋત્વિકે જણાવ્યું હતું કે સુઝાને મારાથી અલગ થવાનો અને અમારા ૧૭ વર્ષ જૂના સંબંધોને ખતમ કરવાનું નક્કી કર્યું છે. અમારા સમગ્ર પરિવાર માટે અા ખૂબ જ તણાવ ભરેલો સમય છે. હું મીડિયાને વિનંતી કરું છું કે તે અમારી પ્રાઈવસીમાં દખલ ન કરે અને તેને જાળવી રાખવામાં અમને મદદ કરે.
ઋત્વિક ૧૨ વર્ષની ઉંમરનો હતો ત્યારે જ પાડોશમાં રહેતી સુઝાન ખાનને પહેલી નજરમાં દિલ દઈ બેઠ્યો હતો. ઋત્વિકની જેમ સુઝાન પણ ફિલ્મી પરિવારમાંથી અાવતી હતી. તે અભિનેતા સંજય ખાનની પુત્રી છે. તે સમયે ઋત્વિક સુઝાનને પોતાના દિલની વાત કહી શક્યો ન હતો, પરંતુ તેણે પોતાના દિલની વાત નજીકના મિત્ર ઉદય ચોપરાને કહી હતી. થોડાં વર્ષ બાદ ઋત્વિક અને સુઝાન ફરી મળ્યાં. બંનેની મુલાકાતો વધવા લાગી અને પ્રેમ પ્રકરણ શરૂ થયું. ૨૦ ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ ઋત્વિક અને સુઝાન લગ્નના બંધનમાં બંધાઈ ગયાં.

You might also like