બીપીએલ ઉદ્ઘાટન સમારંભમાં હૃતિક-જેકલીનનું ધમાકેદાર પર્ફોર્મન્સ

ઢાકા: બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ) ટી-ટ્વેન્ટી ટૂર્નામેન્ટમાં ગત શનિવારે બૉલીવૂડના સ્ટાર હૃતિક રોશન અને જેકલીન ફર્નાન્ડીઝના ભવ્ય ઓપનિંગ પર્ફોર્મન્સ બાદ રવિવારે પ્રથમ મૅચ રમાઈ હતી, જેમાં મિસ્બાહ-ઉલ-હકે રંગપુર રાઇડર્સને ચિત્તાગૉન્ગ વાઇકિંગ્સ સામે છેલ્લા બૉલમાં રોમાંચક વિજય અપાવ્યો હતો.

ચિત્તાગૉન્ગ વાઇકિંગ્સે બૅટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૭ રન બનાવ્યા હતા, જેમાં કૅપ્ટન અને ઓપનર તમીમ ઇકાબલે ૩૨ બૉલમાં બનાવેલા ૫૧ રનનો સમાવેશ હતો. જીવન મેન્ડિસે ત્રણ છગ્ગાની મદદથી ૩૯ રન અને અનામુલ હકે ૩૬ રન બનાવ્યા હતા. સુકાની શકિબ-અલ-હક અને થિસારા પરેરાને વિકેટ નહોતી મળી, પરંતુ સક્લેન સાજિબે ત્રણ અને અબુ જાયેદે બે વિકેટ ઝડપી હતી.

રંગપુર રાઇડર્સે ૧૮૮ રનનો લક્ષ્યાંક ૮ વિકેટના ભોગે મૅચના છેલ્લા બૉલે હાંસલ કરી લીધો હતો. મિસ્બાહ-ઉલ-હકે ચાર છગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૬૧ રન બનાવ્યા હતા. ત્યાર બાદ રંગપુર ટીમના શફીઉલ ઇસ્લામે છેલ્લા બૉલમાં જીતવા જરૂરી એક રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. મૅચ-ફિક્સિંગને પગલે થયેલી સજા પૂરી કરીને ફરી રમવા આવેલા ફાસ્ટ બોલર મોહંમદ આમિરે ૩૦ રનમાં ચાર વિકેટ લીધી હતી, પરંતુ તેનું એ પ્રદર્શન એળે ગયું હતું. થિસારા પરેરાએ ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે ૪૩ રન બનાવ્યા હતા.

You might also like