મોદી સરકાર હવે કઈ રીતે બદલો લેશે? સર્જિકલ સ્ટ્રાઈક-૨ કે લિમિટેડ એક્શન?

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં જૈશના આતંકી હુમલામાં સીઆરપીએફના ૩૭ જવાન શહીદ થયા છે. અઢી વર્ષ બાદ પણ ઉરીનો એ આતંકી હુમલો દેશ હજુ ભૂલી શક્યો નથી ત્યાં જ પુલવામામાં ફરી આતંકીઓએ હચમચાવી દીધા છે. કેન્દ્ર સરકાર ઘણા લાંબા સમયથી પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદને કચડવાનો દાવો કરી રહી છે, પરંતુ પુલવામાં ૨૫૦૦ જવાનોના કાફલાને નિશાન બનાવીને જૈશે ઉરીથી પણ મોટો હુમલો કરી તમામ દાવા પોકળ સાબિત કર્યા છે. મોદી સરકાર હવે કઈ રીતે જવાનોની શહાદતનો બદલો લેશે તેના પર સમગ્ર દેશની નજર છે. સરકાર સર્જિકલ સ્ટ્રાઈક પાર્ટ-૨ને અંજામ આપે છે કે પછી લિમિટેડ એક્શનથી જ સંતોષ માને છે તે હવે જોવાનું રહ્યું.

પુલવામા હુમલા અંગે પૂર્વ સેના પ્રમુખ જનરલ બિક્રમસિંહે જણાવ્યું કે, આ હુમલા પાછળ જૂના દુશ્મન પાકિસ્તાનનો હાથ છે. સૌથી પહેલા જમ્મુ-કાશ્મીરના જે વિસ્તારોમાં આપણી સેના તહેનાત છે તે તમામ વિસ્તારોનો રિવ્યૂ કરવો જોઈએ. જે રણનીતિ આતંકીઓ અપનાવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવું પડશે. આ ઉપરાંત પાકિસ્તાનને જડબાંતોડ જવાબ આપવાના અનેક પ્લાન સેના પાસે છે. સરકાર જાણે છે કે, ક્યારે અને કઈ રીતે તેનો જવાબ આપવો. સર્જિકલ સ્ટ્રાઈક જેવા બીજા અનેક વિકલ્પો ખુલ્લા છે.

તેમણે વધુમાં કહ્યું કે, ભાવલપુરની અંદર જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર છે ત્યાં પણ સ્ટ્રાઈક કરી શકાય તેમ છે. તેમના ટ્રેનિંગ કેમ્પ, લોન્ચ પેડ પર સખત કાર્યવાહી કરવી જોઈએ. સરકાર જો ઈચ્છે તો સેના ઘણું કરી શકે તેમ છે. પીએમ મોદી અને તેમના સહયોગી પ્રધાનોનાં નિવેદનોથી એક વાત તો સ્પષ્ટ છે કે, પાકિસ્તાનને જોરદાર જવાબ આપવામાં આવશે જ. હાલ પાકિસ્તાન પણ એલર્ટ મોડ પર છે અને ઉશ્કેરાટમાં તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવી યોગ્ય નહીં ગણાય. આપણે યોગ્ય સમયની રાહ જોવી પડશે.

You might also like