ઈસુ ખ્રિસ્ત કેવા હતા?

ઈસુ ધરતી પર હતા ત્યારે કેવા હતા? તેમણે શું કર્યું? કેવો ઉપદેશ આપ્યો? તેમની રીત ભાત કેવી હતી? આ સવાલોના જવાબ બાઇબલ આપે છે. ખાસ કરીને સુવાર્તાનાં પુસ્તકો એટલે માથ્થી, માર્ક, લૂક અને યોહાનનાં પુસ્તકો. એ વાંચશો તો તમે ઇસુને સારી રીતે ઓળખી શકશો. યહોવાને પણ સારી રીતે ઓળખી શકશો. આપણે જોઇ ગયા કે ઇસુ અસલ યહોવા જેવા જ છે. એટલે જ ઇસુએ તેમના એક શિષ્યને કહ્યું, “જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે.’- યોહાન ૧૪ઃ૯

ઈસુ મહાન ગુરુ તરીકે જાણીતા હતા. (યોહાન ૧ઃ૩૮, ૧૩ઃ૧૩) તેમણે શું શીખવ્યું? ખાસ કરીને તેમણે ઇશ્વરના “રાજ્યનો શુભ સંદેશ” જણાવ્યો. એ રાજ્ય ઇશ્વરની સરકાર છે. આ સરકાર સ્વર્ગમાંથી જલદી જ આખી દુનિયા પર રાજ કરશે. એ સર્વે ઇશ્વર ભક્તોનું ભલું કરશે. (માથ્થી ૪ઃ૨૩) આ સંદેશો કોના તરફથી હતો? ઇસુએ કહ્યું કે, “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.” (યોહાન ૭ઃ૧૬) યહોવાની ઇચ્છા છે કે સર્વ લોકો તેમની સરકાર વિશે જાણે. એટલે ઇસુએ પૃથ્વી પર એ સંદેશો જાહેર કર્યો. ઇશ્વરની સરકાર શું છે? એ શું કરશે?

લોકોને ઉપદેશ આપવા ઇસુ કઇ કઇ જગ્યાએ ગયા? જ્યાં પણ લોકો મળતા ત્યાં તે ગયા. ભલેને તેઓ દૂર દૂરના ગામમાં હોય. બજારમાં હોય કે પછી ઘરે હોય. ઇસુએ એમ ન વિચાર્યું કે લોકો મારી પાસે આવે. ના, પણ તે સામે ચાલીને તેઓ પાસે ગયા. (માર્ક ૬ઃ૫૬, લૂક ૧૯ઃ૫, ૬) પ્રચાર કરવા અને લોકોને શીખવવા ઇસુએ કેમ આટલી બધી મહેનત કરી? પોતાના પિતા યહોવાની ઇચ્છા પૂરી કરવા. (યોહાન ૮ઃ૨૮, ૨૯) પ્રચાર કરવાનું એક બીજું કારણ પણ હતું. ધર્મગુરુઓએ લોકોને ઇશ્વરનું સત્ય જણાવ્યું ન હતું. જીવનનો ખરો માર્ગ બતાવ્યો ન હતો. તેઓ બિચારી દુઃખી હતા. લાચાર હતા. એ જોઇને ઇસુનું કાળજું કપાઇ જતું હતું. (માથ્થી ૯ઃ૩૫, ૩૬) ઇસુ જાણતા હતા કે લોકો ઇશ્વરના રાજ વિશે સાંભળશે ત્યારે જ તેઓને દિલાસો મળશે.)

ઈસુને લોકો પર બહુ પ્રેમ હતો. લાગણી હતી. તે દયાના સાગર હતા. લોકો ઇસુથી ગભરાતા નહીં. બાળકો પણ ઇસુની ગોદમાં આવીને બેસી જતા. (માર્ક ૧૦ઃ૧૩-૧૬) ઇસુ ઊંચ નીચમાં, નાત જાતમાં માનતા નહીં. બધાને સરખા ગણતા. અન્યાય અને ભ્રષ્ટાચારથી તેમને બહુ નફરત. (માથ્થી ૨૧ઃ૧૨, ૧૩) એ જમાનામાં લોકોને સ્ત્રીઓની બહુ પડી ન હતી, પણ ઇસુ સ્ત્રીઓને નામથી બોલાવતા. (યોહાન ૪ઃ૯, ૨૭) ઇસુએ એક વાર ચાકરની જેમ પોતાના શિષ્યોના પગ ધોયા. સાચે જ નમ્રતા શીખવી હોય તો ઇસુ પાસેથી શીખીએ.

ઈસુ બજાઓનાં દુઃખ દર્દ સારી રીતે સમજતા. કોઇનું દુઃખ જોઇને પોતે દુઃખી થઇ જતા. એટલે જ લોકોની તકલીફો દૂર કરવા તેમણે ઇશ્વરની શક્તિથી ઘણા ચમત્કારો કર્યો. (માથ્થી ૧૪ઃ૧૪), દાખલા તરીકે એક કોઢિયા માણસે ઇસુને કાલાવાલા કર્યા, ‘તમે ચાહો તો મને સાજા કરી શકો તેમ છો.’ ઇસુ તેનું દુઃખ જોઇ ન શક્યા. તરત જ તેમણે પ્રેમથી એ માણસનો હાથ પકડીને કહ્યું, ‘હું ઇચ્છું છું કે તું સાજો થા.’ પલભરમાં તે માણસ સાજો થઇ ગયો (માર્ક ૧ઃ૪૦-૪૨) જરા કલ્પના કરો, એ માણસ ખુશી કેવો નાચી ઊઠ્યો હશે.
– ‘પવિત્ર બાઇબલ શું શીખવે છે’માંથી સાભાર

You might also like