શહેરની હવામાં કાર્બન, સલ્ફર જેવાં હાનિકારક તત્ત્વોનું પ્રમાણ કેટલું? તે કોઈને ખબર નથી!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાયુ પ્રદૂષણ માપવા અંગે હાથ ધરાયેલા સફર પ્રોજેકટ હેઠળ કેન્દ્રીય ભૂ વિજ્ઞાન મંત્રાલયના નેજા હેઠળ કુલ ૧૧ સ્થળોએ એલઇડી ડિસપ્લે અને આઠ સ્થળોએ એર ઇ‌ન્ડેકસ મશીન મુકાયાં છે. ગત તા.૧ર મે ર૦૧૭થી આ પ્રોજેકટ અમલમાં મુકાયો હોઇ ગઇ કાલે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા પ્રદૂષણ ભયજનક બનશે તેવી તાકીદ કરાતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે તંત્ર દ્વારા હવામાંના ઝેરી રજકણોના આધારે ચેતવણી જાહેર કરાઇ હતી, પરંતુ તેમાં લોકોના આરોગ્ય માટે જોખમી એવા કાર્બન ડાયોકસાઇડ, કાર્બન મોનોકસાઇડ, સલ્ફર ઓકસાઇડ અને નાઇટ્રોજન ઓકસાઇડ જેવા ઝેરી વાયુનું પ્રમાણ કેટલું છે તે બાબતે ખુદ તંત્ર અંધારામાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સફર પ્રોજેકટમાં ઝેરી વાયુનું પ્રમાણ જાણવા મળતું નથી. દરમિયાન હજુ પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘પુઅર’ એટલે કે જોખમી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એર પ્લાન વિભાગના નોડલ ઓફિસર ડો.ચિરાગ શાહની ગઇ કાલની ચેતવણી મુજબ આજે શહેરનો એર કવોલિટી ઇન્ડેકસ ૩૧૧ એટલે કે ઘણો જ નબળો રહેવાની શકયતા હતી. શહેરમાં પ્રદૂષણની માત્રા ભયજનક સ્થિતિએ પહોંચેલી હોઇ બાળકો, વૃદ્ધો, શ્વસનતંત્ર અને હૃદયની બીમારી ધરાવતા લોકોને પ્રદૂષિત વિસ્તારમાં જવાનું ટાળવાની તાકીદ કરાઇ હતી તેમજ ખુલ્લામાં કામ કરતા કામદારોને માસ્કનો ઉપયોગ કરવા સૂચના અપાઇ હતી.

ગઇ કાલે સાંજે ૭-૪૦ વાગ્યે શહેરનો પીરાણા ખાતેનો એર કવોલિટી ઇન્ડેકસ ૪૦રના આંકે પહોંચ્યો હતો. જ્યારે આજે સાંજે ૩૯૬ રહેવાની આગાહી કરાઇ હતી, પરંતુ ડો.ચિરાગ શાહ કહે છે તંત્રની ચેતવણી મુજબ શહેરમાં આજે પ્રદૂષણની માત્રા જોવા મળી હતી. આના બદલે આજે સવારે ૧૦-૦૦ વાગ્યે એર કવોલિટી ઇન્ડેકસ ૧૮૯ નોંધાયો છે જે લાલ રંગ (૩૦૦થી ૪૦૦ અાંક) એટલે કે અતિ ખરાબ કરતાં પીળા રંગનું (૧૦૧થી ર૦૦ આંક) એટલે કે મધ્યમ સ્તરનું પ્રદૂષણ નોંધાયું છે.
જોકે તંત્રના એર કવોલિટી ઇન્ડેકસમાં ઝેરી વાયુની માત્રાનું પ્રમાણ જાણવા મળતું નથી.

આ અંગે મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો.ભાવિન સોલંકીને પૂછતાં તેઓ કહે છે કે ઝેરી વાયુની માત્રાને બદલે એર કવોલિટી મશીન ઇન્ડેકસથી પાર્ટિકલની સાઇઝ મપાય છે. પીએમ (પાર્ટિકયુલેટ મેટર) ગઇ કાલે સૌથી વધુુ ૧૦ આંકે હતું. જો પીએમ આંક જેટલો હોય તેટલી હવા ઓછી પ્રદૂષિત ગણાય. શહેરમાં વાયુના પ્રદૂષણ માટે પીરાણા ડમ્પિંગ સાઇટ ઉપરાંત કન્સ્ટ્રકશન સાઇટ, વાહનોની વધતી સંખ્યા અને શહેરીકરણ જવાબદાર હોઇ તેમણે વધુમાં કહ્યું કે નારોલ, બહેરામપુરા, દાણીલીમડા, રખિયાલ વગેરે વિસ્તારમાં ધમધમતાં કેમિકલ કારખાનાથી પણ શહેરમાં વાયુ પ્રદૂષણ વધ્યું છે.

દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને શહેરમાં વધતા જતા વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ મૂકવાના પગલાં બાબતે પૂછતાં તેઓ કહે છે કે અમદાવાદમાં વાહનોનાં નિયંત્રણ માટે ઓડ ઇવન ફોમ્યુલા અમલમાં મૂકી શકાય તેમ નથી. પીરાણા ડમ્પ સાઇટને ઝીરો વેસ્ટ બનાવવાની દિશામાં તંત્ર ગતિશીલ હોઇ બે ત્રણ વર્ષમાં અસરકારક પરિણામ દેખાશે.

You might also like