જાણો.. નવી કાર અને બાઈક માટે કેટલા વર્ષનો Insurance કરાયો ફરજિયાત

મુંબઇ: આ વર્ષે સપ્ટેમ્બરથી નવી કાર અને દ્વિચક્રી વાહનો ખરીદનારાઓને અનુક્રમે ત્રણ વર્ષ અને પાંચ વર્ષનો અપ ફ્રંટ ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત બનશે. લાંબા ગાળા માટે ઇન્સ્યોરન્સના પ્રીમિયમનું પેમેન્ટ કરવાથી નવી ગાડીની પ્રારંભિક કિંમત પણ વધી જશે, જોકે તેના લીધે ગ્રાહકોને દર વર્ષે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

૧૫૦૦ સીસીથી વધુ ક્ષમતા ધરાવતી નવી પ્રાઇવેટ કાર માટે પ્રારંભિક ઇન્સ્યોરન્સ કવર ઓછામાં ઓછું રૂ. ૨૪,૩૦૫નું હશે, જે અત્યારે રૂ. ૭,૮૯૦નું છે.

એ જ રીતે ૩૫૦ સીસીથી વધુ ક્ષમતા ધરાવતી બાઇક્સ માટે ખરીદનારને રૂ. ૧૩,૦૨૪નું ઇન્સ્યોરન્સ પેટે પેમેન્ટ કરવું પડશે, જે અત્યારે રૂ. ૨,૩૨૩ છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ દરેક મોડલ્સ અનુસાર અલગ અલગ હશે.

સુપ્રીમ કોર્ટે ૨૦ જુલાઇએ આદેશ કર્યો હતે કે નવી કાર માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કવર ત્રણ વર્ષ અને દ્વિચક્રી વાહનો માટે પાંચ વર્ષનું ફરજિયાત બનશે. આ આદેશ સપ્ટેમ્બરથી તમામ પોલિસી પર લાગુ પડી જશે.

સુપ્રીમ કોર્ટે તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓને લોંગ ટર્મ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કવર ઓફર કરવા આદેશ કર્યો છે, કેમ કે ગાડીઓ માટે ઇન્સ્યોરન્સ ફરજિયાત કરવા છતાં બહુ ઓછા લોકો તેને રિન્યૂ કરાવે છે. વાહનો જૂના થવાથી અને તેનું મૂલ્ય ઘટવાથી કેટલાય લોકો વાર્ષિક આધારે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવતા નથી અને પછી એવી પોલિસી ખરીદે છે જે તમામ પ્રકારના રિસ્કને કવર કરતી નથી.

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સના અંડરરાઇટિંગ હેડ સંજય દત્તાએ જણાવ્યું હતું કે કોર્ટની આ પહેલને કારણે આ સેક્ટરનો દાયરો વધશે અને પહેલા કરતા ગાડીઓને વધુ ઇન્સ્યોરન્સ કવર મળશે.

You might also like