ગમે તેટલા મુસ્લિમો મરે અમને પરવા નથી, ISનો બદલો લેવો છે!

અમદાવાદઃ શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલા યહૂદીઓનાં ધર્મસ્થળ પર લોનવૂલ્ફ એટેકની તૈયારી કરતા આઇએસઆઇએસના બે આતંકીઓની ગુજરાત એટીએસ દ્વારા સુરતથી ધરપકડ કરવામાં આવી છે. આતંકીઓની પૂછપરછમાં તેઓના અને આઇએસઆઇએસના અનેક મનસૂબાઓ બહાર આવ્યા છે. આતંકી ઉબેદ મીરજાએ ‘હફલો અહેમદ’ નામની ફેસબુક પ્રોફાઇલ બનાવી હતી, જેમાં તેણે આઇએસમાં જોડાવા અને ભડકાવવા માટે અનેક પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તેઓ માત્ર આઇએસઆઇએસનો બદલો લેવા જ પ્રેરાયેલા છે. ગમે તેટલાં મુસ્લિમોનાં મોત થાય તેમની તેઓને પડી નથી. શરિયતનો વિરોધ કરનાર બધાંનો ખાતમો કરો તેમજ સ્વતંત્રતા દિવસ ન ઊજવો અને મુસ્લિમ બની રહો. આતંકીઓના મનસૂબા એટલા ખતરનાક છે કે તેઓને આખી દુનિયામાં ખલિફાનું શાસન લાવવું છે.

આતંકી મોહંમદ કાસિમ અને ઉબેદ મીરજા ઉર્ફે ઓબેદ મીરજા વર્ષ ર૦૧૩-૧૪થી આઇએસ સાથે સંકળાયેલા છે. આતંકી ઉબેદ અહેમદ સુરતમાં વીઆઇપી રોડ પર દાવત નામની રેસ્ટોરાં ચલાવે છે તેમજ સુરત જિલ્લા કોર્ટમાં ક્રિમિનલ લોયર તરીકે પ્રેક્ટિસ પણ કરે છે જ્યારે મોહંમદ કાસિમ અંકલેશ્વરમાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલમાં ઇકો ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. શહેરના ખાડિયા વિસ્તારમાં લોનવૂલ્ફ એટેકનો પ્લાન કર્યો હોય ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ અાતંકી મોહમંદ કાશીને ખાડિયામાં અાવેલા યહૂદી ધર્મસ્થાનની રેકી કરી હતી અને અેટેક બાદ ત્યાંથી પોલીસના હાથે ન ઝડપાય તેવો ફરાર થવાનો રૂટ પણ શોધી લીધો હતો. અમદાવાદમાં લોનવૂલ્ફ એટેક બાદ મોહંમદ કાસિમ વર્કિંગ વિઝા પર લેબ. ટેકનિશિયન તરીકે જમૈકા નાસી જવાનો હતો. ઉબેદ મીરજા અને મોહંમદ કાસિમ સોશિયલ મીડિયા થકી શફી અરમાર નામના આતંકવાદીના સંપર્કમાં આવ્યા હતા.

બંને આતંકીઓ ભારત અને બહારના દેશોના યુવાનોનો સંપર્ક કરી તેઓને આઇએસઆઇએસનાં ભાષણો અને વીડિયો બતાવી આતંકી પ્રવૃત્તિઓ કરવા તરફ પ્રેરતા હતા. તેઓ રૂબરૂ મુલાકાત, સોશિયલ મીડિયા અને ટેલિફોનિક માધ્યમથી આઇએસની વિચારધારાને ફેલાવતા હતા. આતંકી ઉબેદ મીરજા તામિલનાડુના જૈબુલ્લા નામના યુવકને સતત આઇએસની વિચારધારાને ફોલો કરવા માટે જણાવતો હતો. આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ ભેગું કરવા જૈબુલ્લાની મદદથી ચેન્નઇ પોર્ટ પર જૂની કારનું સ્મગલિંગ કરતો હતો. બંને આતંકીઓએ સુરતમાં પણ ગ્રૂપ મિટિંગો કરીને યુવાનોને આઇએસ સાથે જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. બંને આતંકીની ધરપકડ થતાં ગુજરાતમાં આઇએસની વિચારધારા સાથે અનેક યુવાનો જોડાયા હોવાની હકીકત બહાર આવી છે.

વર્ષ ર૦૧૪માં આઇએસમાં જોડાવવા માટે સિરિયા જતા હૈદરાબાદના ચાર વિદ્યાર્થીઓની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરીને ત્યાંથી સિરિયા જવા માટે ઉબેદ અને કાસિમે મદદ કરી હોવાનું બહાર આવ્યું છે.

શફી અરમાર નામના આતંકીના કહેવાથી આ વિદ્યાર્થીઓ કોલકાતા પહોંચ્યા હતા. કોલકાતા પહોંચ્યા બાદ એક વિદ્યાર્થીએ ઉબેદનો સંપર્ક કર્યો હતો. ઉબેદે વિદ્યાર્થીઓને રાત્રે કોલકાતામાં જ રોકવાનું કહીને બીજા દિવસે આતિક ઉર્ફે આશિક નામના યુવકનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આતંકી કાસિમ અબ્દુલા ફૈસલ સાથે વોટ્સએપ પર સંપર્કમાં હતો
કાસિમના મોબાઇલમાંથી વોટ્સએપ ચેટ મળી આવી છે. જેમાં તેણે ઉબેદ મીરજાને આઇએસને લગતી કેટલીક પોસ્ટ અને તેનાં ડેવલપમેન્ટ અંગેની માહિતી મળી છે. આ ઉપરાંત કાસિમ જમૈૈકાના કટ્ટરવાદી ધાર્મિક નેતા અબ્દુલ્લા ઉલ ફૈસલ સાથે વોટ્સએપ પર સંપર્કમાં હતો. વોટ્સએપ પર તેણે ISને લગતી તેણે અનેક બાબતોની ચર્ચા કરી હોવાનું મળી આવ્યું હતું.

૧પ ઓકટોબરે ઉબેદ અહેમદે શાહિદ નામના યુવક સાથે કરેલી વાતચીતના અંશ
ઉબેદ અહેમદ: કહાં હૈ કાસિમ?
શાહિદ: કાસિમ વહીં હૈ, બોટાવાલા (મસ્જિદ) મેં.
ઉબેદ: અભી તક.
શાહિદઃ અભી તક વહીં હૈ, કયા ખબર મુફતી સાહબ કો પક્કા મુજાહિદ્દ બનાકે છોડેગા વો.
ઉબેદઃ અચ્છા હૈ ના હથિયાર બથિયાર જમા કર લેંગે ના. મુફતી સાહબ માન જાયેગા તો બહોત બડા માઝમા ખડા હો જાયેગા બેટા.
શાહિદઃ અચ્છી બાત હૈ ના.

કાસિમે શબ્બીર નામના યુવાન સાથે કરેલી વાતચીત
શબ્બીર ઃ ઇસ કે લિયે ફોન કિયા થા કે બર્મા મેં ચલ રહા હૈ ઉસકે લિયે કુછ હૈ કે નહીં.
કાસીમ ઃ અરે ભાઇ! યે સબ તૂં ફોન પે મત પૂછ ગાંડે. મૈં તેરે કો મિલ કે બતાતા હૂં ચલ.

ઉબેદ અહેમદે ફેસબુક પર કરેલી પોસ્ટ
૦૮-૦૭-ર૦૧૬ ઃ શરિયત વગર એકતા શકય નથી, એ હજુ કાશ્મીરીઓ શીખ્યા નથી, કાશ્મીરીઓએ હવે સંપૂર્ણપણે યુદ્ધ છેડવું જોઇએ, ત્યારે જ તેમાં અન્ય મુસ્લિમ જોડાશે અને વિશ્વના અન્ય ભાગના મુસ્લિમો તેમને સમર્થન આપશે.
૧૧-૦૭-ર૦૧૬ ઃ કાશ્મીરમાં અત્યાર સુધીમાં ભારતીય કાફર દળોએ રપ જેટલા મુસ્લિમોને મારી નાખ્યા છે – ઇન્સાલ્લા આ વખતે કાશ્મીરમાં છેલ્લી જેહાદ છેડવામાં આવશે.
ર૦-૦૭-ર૦૧૬ ઃ મુસ્લિમોનાં મોતની પણ અમને કોઇ દરકાર નથી. ગમે તેટલા મુસ્લિમો મરે અમારે માત્ર આઇએસનો બદલો-વેર લેવો છે.
૦૮-૦૮-૨૦૧૬ ઃ આખી દુનિયામાં ખલિફાનું શાસન લાવવું છે તેવી લિંક શેર કરી હતી.
૧૪-૦૮-૨૦૧૬ઃ સ્વાતંત્ર્ય દિવસ ઊજવશો નહીં,તમે મુસ્લિમ બની રહો.
૧ર-૧ર-૨૦૧૬ઃ યા અલ્લાહ શરિયાનો વિરોધ કરનાર બધાનો ખાતમો કરો.

પેન ડ્રાઇવમાંથી આઇએસના પ્રવકતાના વીડિયો અને નિવેદનો મળ્યાં
પોલીસે બંને આતંકીઓ પાસેથી બે પેન ડ્રાઇવ કબજે કરી છે. જેમાં આઇએસને લગતું મટીરિયલ મળી આવ્યું છે. આઇએસના વીડિયો, તાલિબાની મુજાહિદ્દીનના વીડિયો, આઇએસના સિનિયર નેતા અને પ્રવકતા અબુ મોહંમદ અલ-અદાનીનાનાં નિવેદનો પણ મળી આવ્યાં છે.

ભારતમાં અનેક જગ્યાએ લોનવૂલ્ફ એટેકનો પ્લાન હતો
આતંકી મોહંમદ કાસિમ અને ઉબેદ આઇએસન‌ી વિચારધારાથી એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે તેઓ ભારતના યુવાનોને આઇએસમાં જોડી ભારતના અનેક શહેરોમાં લોનવૂલ્ફ એટેકનો પ્લાન બનાવી રહ્યા હતા.

You might also like